નવેમ્બર 9, 2026 9:40 એ એમ (AM)

printer

રાજ્યભરમાં મોડીરાત સુધી લોકોએ ફટાકડા ફોડીને દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરી

અંધકાર પર પ્રકાશના અને અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા પ્રકાશના પર્વ દિવાળીની રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. લોકોએ પોતાના ઘરના આંગણામાં અવનવી રંગોળી બનાવી હતી. સાથે જ લોકોના ઘરો દીવડાથી ઝગમગી ઉઠ્યા છે. લોકોએ ઘરોમાં લક્ષ્મી પુજન અને વેપારીઓએ ચોપડા પૂજન કર્યા હતા. તો મોડી રાત સુધી લોકોએ ફટકડા ફોડી દિવાળીની રંગેચઙે ઉજવણી કરી.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં દીવાળી નિમિત્તે યોજાયેલા ગણેશ લક્ષ્મી મહાપુજનમાં દેશનાં 21 રાજ્યો, 4 કેન્દ્રશાસિત પ્રદેશ, અને વિદેશથી પણ ભક્તો ઑનલાઇન જોડાયા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું વૈશ્વિક સ્તરે સંવર્ધનનો પ્રયાસ કરાયો હતો. આ આધુનિક પહેલ થકી દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓ પોતાના ઘરેથી જ પવિત્ર સોમનાથ તીર્થ સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ શક્યા હતા.

દીપાવલીના પર્વ નિમિતે પોરબંદરના પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે 1 કરોડ 1 લાખ રૂપિયાની ચલણી નોટોનાં વિશેષ દર્શન શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કચ્છમાં આશાપુરા માતાના મઢ ખાતે દીવાળીની ભવ્ય ઉજવણી કરાઈ તો ભુજ સ્વામિનારાયણ મંદિર પણ 1 લાખ 11 હજાર દીવડાથી ઝળહળી ઉઠ્યું હતું. ભાવનગરમાં પણ દીપોત્સવીના તહેવારની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. વાવ-થરાદના જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ સરહદના પ્રહરીઓ સાથે દિવાળીની ઉજવણી કરી. તેમણે નડાબેટ નજીક ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ખાતે BSF જવાનોને મીઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. અમદાવાદ મનપાના UCD વિભાગ દ્વારા દ્વારા વિવિધ ઝોનનાં આશ્રયગૃહોમાં આશ્રિતો સાથે મીઠાઈ વહેચીને દિવાળીના પર્વની ઉજવણી કરાઈ.