નવેમ્બર 8, 2026 9:59 એ એમ (AM)

printer

પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી – મુખ્યમંત્રીએ નાગરિકોને શુભેચ્છા પાઠવી

પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. ​અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા છે. આજે ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજનનું અનેરૂં મહત્વ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો તથા વિદેશ વસતા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે નૂતન વર્ષે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ અને ઉત્તમ આરોગ્યનો પ્રકાશ પથરાય તથા દરેક પરિવારનું જીવન આનંદ અને ઉલ્લાસથી ભરપૂર બને તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વણથંભી વિકાસયાત્રાને તેજ ગતિએ આગળ ધપાવવાના દ્રઢ સંકલ્પ સાથે સૌ કોઈ વિક્રમ સંવતના નૂતન વર્ષે વિકાસ માર્ગે વધુ ગતિમય બને અને આત્મનિર્ભર ભારત માટે વિકસિત ગુજરાતના સંવાહક બને તેવી શુભકામનાઓ પાઠવી છે.