સપ્ટેમ્બર 9, 2026 7:04 પી એમ(PM)

printer

ગુજરાત વિધાનસભાના 3 દિવસીય સત્રનો પ્રારંભ: 5 દિવંગત ધારાસભ્યોને અપાઈ શ્રદ્ધાંજલિ

ગાંધીનગર ખાતે 15 મી ગુજરાત વિધાનસભાના 9 મા સત્રનો આજથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે સત્રની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના સભ્યો દ્વારા 5 દિવંગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ 3 દિવસીય સત્રમાં સરકાર દ્વારા વિવિધ 9 જેટલા મહત્વના બિલ રજૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ રજૂ કર્યો શોક પ્રસ્તાવ, 2 મિનિટનું મૌન પળાયું 

આગામી 9 થી 11 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં 15 મી વિધાનસભાના વર્તમાન સભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી યોગેશ પટેલ, પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવા, પૂર્વ રાજ્ય મંત્રી લલિત કુમાર પટેલ તેમજ પૂર્વ ધારાસભ્યો પોપટલાલ પટેલ અને સુનિલભાઈ ગામીતને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ દિવંગત નેતાઓના નિધન પર શોક વ્યક્ત કરી જનપ્રતિનિધિ તરીકે તેમના સેવા કાર્યોને યાદ કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને અન્ય મંત્રીઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ ગૃહે દિવંગત આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું.

કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં એજન્ડા નક્કી કરાયો 

સત્ર શરૂ થતા પહેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી કુરજીભાઈ બાવળિયા ઉપરાંત વિપક્ષ તરફથી કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી અને ઉપનેતા શૈલેષ પરમાર હાજર રહ્યા હતા. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં 3 દિવસ દરમિયાન હાથ ધરવામાં આવનાર બિલોના ક્રમ અને સમયપત્રક અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સત્ર દરમિયાન કૃષિ, શિક્ષણ અને મહેસૂલ સહિતના 9 બિલ રજૂ થશે 

રાજ્ય સરકાર દ્વારા આ ટૂંકા સત્રમાં પસાર કરવા માટે 9 બિલોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં કૃષિ યુનિવર્સિટીઓ, પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન, ભાડું નિયંત્રણ, પશુધન અને પોલ્ટ્રી ફીડ નિયમન, જમીન મહેસૂલ, ખેતીની જમીનના ટુકડા થતા અટકાવવા, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સેશન (GST) ને લગતા કાયદાઓનો સમાવેશ થાય છે.