ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્ય સરકારના સાહસ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વર્ષ 2023-24 અને 2024-25 ના ડિવિડન્ડ પેટે કુલ 15.37 કરોડ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં કૃષિ ક્ષેત્રે નિગમની કામગીરી અને આગામી પ્રોજેક્ટ્સ વિશે વિસ્તૃત સમીક્ષા પણ કરવામાં આવી હતી.
કૃષિ મંત્રી અને અગ્ર સચિવ દ્વારા ડિવિડન્ડ અર્પણ
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24 ના ડિવિડન્ડ પેટે 11.14 કરોડ રૂપિયા અને વર્ષ 2024-25 ના ડિવિડન્ડ પેટે 4.23 કરોડ રૂપિયા મળીને કુલ 15.37 કરોડ રૂપિયાનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રીને આપવામાં આવ્યો હતો. આ ચેક કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા અને કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ વિભાગના અગ્ર સચિવ આર. સી. મીણાના હસ્તે સુપરત કરાયો હતો. આ વેળાએ મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર અને નિગમના એમ.ડી. વિજય ખરાડી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં 1156 એગ્રી બિઝનેસ સેન્ટર્સ કાર્યરત
વર્ષ 1969 થી કાર્યરત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતરનું સીધું વિતરણ, કૃષિ મશીનરી અને ટુલ્સનું ઉત્પાદન તેમજ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા કે હાલ રાજ્યમાં નિગમ હસ્તક 1156 જેટલા એગ્રી બિઝનેસ સેન્ટર્સ કાર્યરત છે. આ સેન્ટર્સના માધ્યમથી રાજ્યના ખેડૂતોને ફર્ટિલાઇઝર અને નોન-ફર્ટિલાઇઝર એગ્રો ઈનપુટનું સીધું અને સરળ વેચાણ કરવામાં આવી રહ્યું છે.
નવા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આગામી પ્રોજેક્ટ્સની તૈયારી
નિગમ દ્વારા કૃષિ પેદાશોના પ્રોસેસિંગ અને સંગ્રહ માટે બાવળા, અમદાવાદ એરપોર્ટ, ઝઘડિયા, નરોડા અને મહુવા ખાતે વિવિધ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. વધુમાં, અમદાવાદના ત્રાગડ ખાતે ‘એગ્રી બિઝનેસ એન્ડ ઇનોવેશન હબ’ ના નિર્માણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
અગ્ર સચિવ આર. સી. મીણાએ મુખ્યમંત્રીને માહિતી આપતા જણાવ્યું હતું કે, નિગમ દ્વારા આગામી સમયમાં GI ટેગ, મિલેટ વેલ્યુ એડિશન યુનિટ, બનાના ફાઇબર એક્સટ્રેક્શન અને પાવડર પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરવા માટેના ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPR) પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.