રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતી કૃષિ વીજળીમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે જરૂરિયાત વાળા વિસ્તારોમાં ખેડૂતોને 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે.
ગાંધીનગરમાં ઊર્જામંત્રી ઋષિકેશ પટેલની મહત્વની જાહેરાત
ગાંધીનગર ખાતે રાજ્યના ઊર્જામંત્રી ઋષિકેશ પટેલે આ અંગેની સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં સરકારે આ નિર્ણય લીધો છે. લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હોવાથી ખેતરોમાં પાક સુકાવાની ભીતિ સેવાઈ રહી હતી. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે અને તેમનો મહામૂલો પાક બચી જાય તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા કૃષિ વીજળીનો સમયગાળો વધારવામાં આવ્યો છે.
માંગણી મુજબ સિંગલની જગ્યાએ ડબલ શિફ્ટમાં મળશે વીજળી
સરકારના આ નિર્ણયની અમલવારી અંગે વધુ વિગતો આપતા ઊર્જામંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં વરસાદ ઓછો છે અને પીયતમાં વીજળીની વધુ જરૂરિયાત છે, ત્યાં અમે 2 કલાક વધારાની વીજળી આપીશું. હાલમાં આપણે લગભગ આખા રાજ્યમાં સિંગલ શિફ્ટમાં 8 કલાક વીજળી આપીએ છીએ, પરંતુ હવે જ્યાં જરૂર પડશે ત્યાં ડબલ શિફ્ટ કરીને 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે.
જરૂરિયાત અને માંગણીના આધારે સમયમાં કરાશે વધારો
સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ નિર્ણયનો અમલ ખેડૂતોની જરૂરિયાત અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ થશે. જેમ-જેમ વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતોની માંગણી આવતી જશે, તેમ-તેમ તે વિસ્તારોમાં વીજળીના પુરવઠાનો સમય 8 કલાકથી વધારીને 10 કલાક કરતા જવામાં આવશે.