ઓગસ્ટ 26, 2026 6:59 પી એમ(PM)

printer

ગુજરાતમાં 7 દિવસ હળવો વરસાદ રહેશે, સૌરાષ્ટ્રમાં 30% વરસાદની ઘટ

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે નવી આગાહી જાહેર કરી છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ 7 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે, જેમાં સૌરાષ્ટ્રની સ્થિતિ અત્યંત ચિંતાજનક જોવા મળી રહી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠે હળવા વરસાદની શક્યતા 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત્ છે. આ સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ માત્ર હળવાથી મધ્યમ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પંથકોમાં છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળી શકે છે. હાલમાં રાજ્યના કોઈ પણ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી, જેથી લોકોને ભારે વરસાદથી રાહત રહેશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 33 ડિગ્રી નોંધાયું 

વરસાદનું જોર ઘટવાના કારણે રાજ્યના મુખ્ય શહેરોના તાપમાનમાં પણ કોઈ વિશેષ ઘટાડો જોવા મળ્યો નથી. અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં સરેરાશ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ બંને શહેરોમાં ગરમી અને ભેજવાળા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ યથાવત્ રહેશે.

ગુજરાત રીજનમાં 9 ટકા વધુ, પણ સૌરાષ્ટ્રમાં 30 ટકાની ઘટ 

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા સિઝનના કુલ વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો ભૌગોલિક રીતે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. એક તરફ તળ ગુજરાતમાં સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે બીજી તરફ સમગ્ર રાજ્યના આંકડા મુજબ કુલ 7 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ ઘટ પાછળનું મુખ્ય કારણ સૌરાષ્ટ્ર વિસ્તાર છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં આશરે 30 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે.