ગાંધીનગરમાં આવેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે ગણેશોત્સવ નિમિત્તે ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાના નિર્માણ માટે વિશેષ સ્ટોલ અને વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા આ વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ આસ્થાની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે.
મંત્રીઓએ જાતે કંડારી માટીની મૂર્તિ, NID ની મદદ લેવા સૂચન
ઉદ્ઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જાતે માટીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી હતી તેમજ સ્થાનિક કલાકારો પાસેથી માહિતી મેળવી હતી. આ તકે મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પીઓપી અને રાસાયણિક રંગોથી જળાશયોને થતું નુકસાન અટકાવવા માટીના ગણેશજીની સ્થાપના શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે આ ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ ઝડપી અને આકર્ષક બનાવવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન મારફતે યોગ્ય ડિઝાઇન અને મોલ્ડિંગ પદ્ધતિ વિકસાવવાનું મહત્વપૂર્ણ સૂચન પણ કર્યું હતું.
સોશિયલ મીડિયા અને સ્થાનિક કક્ષાએ વ્યાપક પ્રચાર કરાશે
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ સુંદર પહેલને વધુ લોકો સુધી પહોંચાડવા સોશિયલ ઇન્ફ્લુએન્સર્સની મદદ લેવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકાઓ અને ગ્રામ પંચાયત સ્તરે ચોક્કસ ગાઈડલાઈન (SOP) મારફતે આ અભિયાનનો વ્યાપક પ્રચાર કરવામાં આવશે. આનાથી પર્યાવરણના રક્ષણ સાથે સ્થાનિક કારીગરોને મોટા પાયે આજીવિકા પણ પ્રાપ્ત થશે.
નાગરિકો માટે 7 થી 14 સપ્ટેમ્બર સુધી વિનામૂલ્યે વર્કશોપ
GPCB કચેરી ખાતે 7 થી 14 સપ્ટેમ્બર 2026 સુધી નાગરિકો, યુવાનો અને બાળકો માટે માટીમાંથી મૂર્તિ બનાવવાના વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં લોકો નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ મૂર્તિ બનાવીને વિનામૂલ્યે પોતાના ઘરે સ્થાપના માટે લઈ જઈ શકશે. માટીની આ મૂર્તિઓનું વિસર્જન ઘરમાં કુંડા કે બગીચામાં જ સરળતાથી કરી શકાશે.
લોકજાગૃતિ માટે શેરી નાટકો અને રેડિયો ઝુંબેશ
પર્યાવરણ જાગૃતિના આ સંદેશને વધુ વ્યાપક બનાવવા GPCB દ્વારા રેડિયો માધ્યમથી ઝુંબેશ, વિવિધ શાળા-કોલેજોમાં વર્કશોપ અને અમદાવાદના આશરે 50 ગણપતિ પંડાલોમાં શેરી નાટકોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં GPCB ના અધ્યક્ષ આર. બી. બારડ અને સભ્ય સચિવ દિપાલી ટાંક સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આ પહેલથી પર્યાવરણ જાગૃતિમાં મોટો વધારો થવાની અપેક્ષા છે.