સપ્ટેમ્બર 1, 2026 5:18 પી એમ(PM)

printer

ડુંગળીના બફર સ્ટોકને બજારમાં મોકલવાનું શરૂ, ડુંગળીના ભાવ નિયંત્રણમાં લેવા સરકારનો નિર્ણય

દેશમાં ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં લેવા સરકારે બફર સ્ટૉક એટલે કે, વધારાનો જથ્થો બજારમાં મોકલવાનો શરૂ કર્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભાવને નિયંત્રણમાં રાખવા કાંદા ઍક્સપ્રેસ માલગાડીઓ અને ટ્રકોના માધ્યમથી દેશના મુખ્ય શહેરોમાં ડુંગળીનો આયોજિત પૂરવઠો પહોંચાડાઈ રહ્યો છે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું, નાસિકથી મોકલાયેલી પહેલી કાન્દા ઍક્સપ્રેસ 450 મેટ્રિક ટન ડુંગળી લઈ દિલ્હી પહોંચી ગઈ છે, જેનું દિલ્હી NCR, વારાણસી, લખનઉ, ચંડીગઢ અને અમૃતસરમાં વિતરણ કરવામાં આવ્યું. જ્યારે 840 મેટ્રિક ટન ડુંગળી લઈ બીજી માલગાડી ચેન્નઈ પહોંચી ગઈ છે. તેમાંથી તમિળનાડુ અને વિવિધ જિલ્લામાં ડુંગળીનો પૂરવઠો પહોંચાડાશે. આ ઉપરાંત રોડ માર્ગેથી પણ અંદાજે એક હજાર મેટ્રિક ટન ડુંગળી મુખ્ય બજારોમાં મોકલવામાં આવી રહી છે.

આ પહેલ અંતર્ગત અંદાજે ત્રણ હજાર 400 ખેડૂતોને સીધા 210 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, બજારમાં ડુંગળી આવતા જ ભાવમાં ઘટાડો નોંધાયો છે અને આગામી દિવસોમાં તેના ભાવ હજી ઘટશે. રેલવે માર્ગથી ડુંગળીના સુરક્ષિત પૂરવઠા માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું, બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં આવ્યા બાદ તેની ઉપલબ્ધતા વધી છે અને ભાવમાં ઘટાડો થવાનું શરૂ થઈ ગયું છે. આગામી દિવસોમાં પૂરવઠામાં હજી વધારો થવાથી ડુંગળીના ભાવ સંપૂર્ણ રીતે સ્થિર થશે, જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળશે તેવી આશા સરકારે વ્યક્ત કરી છે.