ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગમાં સ્લેબ ધરાશાયી થયો હતો. મોડી સાંજે સર્જાયેલી આ દુર્ઘટનામાં પંદર શ્રમિકો કાટમાળ હેઠળ ફસાયા જેમાંથી 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે અન્ય ત્રણને કોઇ ઇજાઓ થઇ ન હતી.
ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળ નીચે ફસાયેલા તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાહતની વાત એ છે કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સારવાર માટે ખસેડાયેલા તમામ શ્રમિકોની સ્થિતીની જાણકારી મેળવવા સંઘવી, આરોગ્ય મંત્રી
પ્રફુલ પાનશેરિયા, ગાંધીનગરના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, રીટા પટેલે પણ સિવિલ હોસ્પિટલની
મુલાકાત લઇને ઇજાગ્રસ્તોની સ્થિતીની જાણકારી મેળવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ
સિવિલ હોસ્પિટલના અધિકારીઓને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા જરૂરી સૂચનાઓ આપી હતી.
આ સમગ્ર ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. સલામતીના નિયમોનું યોગ્ય રીતે પાલન થયું હતું કે નહીં, તેમજ બાંધકામની ગુણવત્તા, સેન્ટરિંગ અથવા અન્ય કોઈ ટેકનિકલ ક્ષતિ
જવાબદાર છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.તપાસના આધારે જવાબદારી નક્કી કરીને નિયમ મુજબ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.