મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યૂઅલ માધ્યમથી કચ્છના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામ મહાનગરપાલિકાના 286 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે તેમણે ગાંધીધામને કચ્છનું આર્થિક પાટનગર ગણાવી ડબલ એન્જિન સરકારમાં થઈ રહેલા ઝડપી વિકાસની રૂપરેખા આપી હતી અને નાગરિકોને સ્વચ્છતા અંગે અપીલ કરી હતી.
ગાંધીધામ કચ્છનું આર્થિક પાટનગર અને ઔદ્યોગિક કેન્દ્ર
ગાંધીનગરથી વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તાર માટે મંજૂર કરાયેલા 286 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, ગાંધીધામ એ કચ્છનું ‘ઇકોનોમિકલ કેપિટલ’ (આર્થિક પાટનગર) અને અત્યંત મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે. મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ શહેરના વિકાસને બમણી ગતિ મળી છે.
2 વર્ષથી ઓછા સમયમાં 1590 કરોડના વિકાસ કામોની ફાળવણી
રાજ્ય સરકારની વિકાસલક્ષી કાર્યપ્રણાલી અને પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ડબલ એન્જિન સરકારમાં ગાંધીધામને ડબલ વિકાસ ગતિ પ્રાપ્ત થઈ છે. નોંધનીય છે કે, વર્ષ 2025 માં ગાંધીધામ મહાનગરપાલિકાની રચના થઈ હતી. મહાનગરપાલિકા બન્યા ત્યારથી અત્યાર સુધીમાં, એટલે કે 2 વર્ષથી પણ ઓછા સમયગાળામાં રાજ્ય સરકારે શહેરના સર્વાંગી વિકાસ માટે 1590 કરોડ રૂપિયાના કામો મંજૂર કરીને મોટી ભેટ આપી છે.
સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત વિકાસને પ્રાથમિકતા આપવા અપીલ
આ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિકાસની સાથે સાથે શહેરમાં સ્વચ્છતા જાળવવી અને કામગીરીમાં ગુણવત્તા જાળવવી ખૂબ જ જરૂરી છે. તેમણે લોકોને સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત વિકાસને હંમેશા પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.