વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે AI દ્વારા પ્રસ્તાવિત શક્યતાઓનો ઉપયોગ કરવાની, તેના પરિણામોની આગાહી કરવાની અને તેના જોખમોને ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મંત્રીએ ગ્રીસના વિદેશ મંત્રી જ્યોર્જ ગેરાપેટ્રીટિસ સાથે ‘આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના સંદર્ભમાં AI, દરિયાઈ સુરક્ષા પર ભાર મૂકવાની‘ વિષય પર એક કાર્યક્રમના સહ-અધ્યક્ષપદે આ ટિપ્પણીઓ કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન, ડૉ. જયશંકરે પુર્નરોચ્ચાર કરતાં કહ્યું કે, AI અને દરિયાઈ સુરક્ષા સંયુક્ત રાષ્ટ્રમાં ભારત માટે મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ છે. તેમણે ભાર મૂક્યો કે, નવી દિલ્હી ઘોષણા AI સંસાધનોની લોકશાહી ઍક્સેસ, સુરક્ષિત અને વિશ્વસનીય સિસ્ટમો બનાવવા, માનવ ક્ષમતાઓમાં રોકાણ કરવા અને આર્થિક વિકાસ અને સામાજિક ભલા માટે AIનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે.
તેમણે ભાર મુકતા કહ્યું કે, દરિયાઈ ક્ષેત્રમાં AI દરિયાઈ ક્ષેત્ર જાગૃતિ, શોધ અને બચાવ, આપત્તિ પ્રતિભાવ, શંકાસ્પદ પ્રવૃત્તિની ઓળખ અને બંદરો અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સ્થિરતા વધારી શકે છે. મંત્રીએ ઉમેર્યું કે તે જહાજો, સંદેશાવ્યવહાર નેટવર્ક્સ અને દરિયાઈ માળખાગત સુવિધાઓને લક્ષ્ય બનાવતી અત્યાધુનિક જાસૂસી, નબળી મેપિંગ પધ્ધતિ અને સાયબર કામગીરીને પણ સક્ષમ બનાવી શકે છે.