પોરબંદરના ઓળદર નજીક વન વિભાગ દ્વારા 20 કરોડના ખર્ચે નિર્મિત ‘સર્વોદય વન’નું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. આ વનમાં 14 હેક્ટરમાં 1.5 લાખ રોપાઓથી સજ્જ રાજ્યનું 25મું સાંસ્કૃતિક વનમાં કૃષ્ણ-સુદામા વાટિકા અને ગ્રામ સ્વરાજ પરિસર મુખ્ય આકર્ષણ કેન્દ્ર બનશે.
આ પરિસરમાં ‘મોહનથી મહાત્મા’ સુધીની જીવનયાત્રા દર્શાવતું મહાત્મા વન, અહિંસા સ્તંભ સાથેનું સત્ય-અહિંસા વન અને નિઃસ્વાર્થ મિત્રતાની સ્મૃતિ જીવંત કરતી કૃષ્ણ-સુદામા વાટિકા, પંચવટીયુક્ત શાંતિ વન તેમજ આયુષ વન અને બરડા વન કુંજ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ ઉપરાંત ચિંગરિયા ગામની પરંપરાગત હાથવણાટની શાલના પ્રદર્શન-વેચાણ માટે સોવેનિયર શોપ અને સ્થાનિક ખાદ્યસામગ્રી માટે કાફેટેરિયા શરૂ કરાતાં સ્થાનિક રોજગારી અને પ્રવાસનને મોટો વેગ મળશે.