સપ્ટેમ્બર 24, 2026 10:23 એ એમ (AM)

printer

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે સેન્ટ લુસિયાના રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદ સુધારાના મુદ્દા પર L-69 પરામર્શ બેઠકનું સહ-અધ્યક્ષતાપદ સંભાળ્યું

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સેન્ટ લુસિયાના વિદેશ મંત્રી આલ્વા બાપ્ટિસ્ટ સાથે રાષ્ટ્રસંઘ  સુરક્ષા પરિષદ સુધારાના મુદ્દા પર L-69 (વિકાસશીલ દેશોના આંતર-પ્રાદેશિક જૂથ) પરામર્શ બેઠકનું સહ-અધ્યક્ષતાપદ સંભાળ્યું.

બેઠકને સંબોધતા, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે વિશ્વમાં થઈ રહેલા અભૂતપૂર્વ ફેરફારોની ગ્લોબલ સાઉથના દેશો પર સૌથી વધુ અસર પડી રહી છે, અને રાષ્ટ્રસંઘ આ અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદની વર્તમાન સંઘર્ષો અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટેના જોખમોને સંબોધવામાં અસમર્થતા સુધારાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

તેમણે ભાર મૂક્યો હતો કે સુધારામાં સતત વિલંબ લાંબા સમયથી ચાલતી અસમાનતાઓને કાયમી બનાવે છે. ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે L-69 અને C-10 ના સભ્યો રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદમાં સુધારાના પ્રયાસોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

L-69 એ વિકાસશીલ દેશોનું આંતર-પ્રાદેશિક જૂથ છે જે રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદમાં વ્યાપક અને તાત્કાલિક સુધારાની હાકલ કરે છે. C-10 એ આફ્રિકન યુનિયનના દસ દેશોનો સમૂહ છે, જે સુરક્ષા પરિષદમાં આફ્રિકન દેશોની સ્થિતિને આગળ વધારવા માટે કાર્ય કરે છે.