મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઓનલાઈન નિવારણ માટે ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની વિવિધ ફરિયાદો અને રજૂઆતોનું અસરકારક અને સમયબદ્ધ નિવારણ લાવવાનો છે.
ઓગસ્ટ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટે નાગરિકો આજે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી પોતાની રજૂઆતો અને ફરિયાદો રૂબરૂ રજૂ કરી શકશે. આ માટે તેમણે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત થવાનું રહેશે.
દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુરુવારે બપોર બાદ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો તથા ફરિયાદો સાંભળશે. સંબંધિત વિભાગોના અધિકારીઓની હાજરીમાં ફરિયાદો અંગે જરૂરી માહિતી મેળવવામાં આવશે તેમજ યોગ્ય કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવશે.
રાજ્ય સ્વાગત કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને તેમની સમસ્યાઓ સીધી સરકારના ઉચ્ચ સ્તરે રજૂ કરવાની તક મળે છે. સરકાર દ્વારા નાગરિકોની ફરિયાદોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે આ વ્યવસ્થાને મહત્વપૂર્ણ માધ્યમ તરીકે અમલમાં મૂકવામાં આવી રહી છે.