નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ આજે સાંજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ‘હબ એન્ડ સ્પોક’ આંતરરાષ્ટ્રીય ઉડાનનું ઉદ્ઘાટન કરશે. એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ઇઝી કનેક્ટ સેવા અમદાવાદથી રવાના થશે, જે મુસાફરોને દિલ્હી થઈને અનેક વૈશ્વિક સ્થળો સાથે સાંકળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે
આ સેવાના આરંભ સાથે, અમદાવાદ ભારતના વિસ્તરતા હબ-એન્ડ-સ્પોક આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં વારાણસી અને અમૃતસર સાથે ત્રીજા પ્રાદેશિક કેન્દ્ર તરીકે જોડાશે. આ પહેલ સરકારના વ્યાપક હબ-એન્ડ-સ્પોક માળખાનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય બિન-મેટ્રો શહેરોમાંથી આવતા મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને સરળ બનાવવાનો છે. ‘ઇઝી કનેક્ટ’ મોડેલ હેઠળ, મુસાફરો તેમના અંતિમ વિદેશી ગંતવ્ય માટે અમદાવાદ એરપોર્ટ પર સીધા જ તેમના ચેક-ઇન, બેગેજ ડ્રોપ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની પ્રક્રિયા કરી શકશે.