મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અદ્યક્ષસ્થાને, રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવામાં આવી હતી. આગામી સમયમાં પર્યાપ્ત વરસાદ ન થાય અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો ન થાય, તો પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપવાના દિશા નિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યાં હતાં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
આ બેઠકમાં ખેડુતોને પુરતું પાણી મળી રહે તે માટેના 3 મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.જે અંતર્ગત મહી કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદા યોજનામાંથી 20 દિવસ માટે 5000 કયુસેકસ પાણી આપવાનો નિર્ણય કરાયો. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજનાની લિંક-1 મારફતે વધુ 10 દિવસ માટે આ પાણી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. ઉપરાંત ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદા યોજના માંથી અપાઈ રહેલું 2000 કયુસેકસ પાણી વધુ 15 દિવસ ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
બેઠકમાં પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં લેવા અધિકારીઓને તાકીદ કરતાં મુખ્યમંત્રીએ નાગરિકો અને ખેડૂતોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા તથા પાણીના સંરક્ષણમાં સહયોગ આપવા અપીલ કરી છે.