સપ્ટેમ્બર 10, 2026 3:37 પી એમ(PM)

printer

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પોતાના 2 દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત અમદાવાદ પહોંચ્યા છે. ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે તેમણે સૌપ્રથમ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ પરિસરમાં પહોંચીને તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.

હૃદય કુંજની મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયા નિહાળી 

શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે ગાંધી આશ્રમ સ્થિત પૂજ્ય બાપુના ઐતિહાસિક નિવાસસ્થાન ‘હૃદય કુંજ’ની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પ્રદર્શિત રેંટિયો કાંતવાની પ્રક્રિયાનું બારીકાઈથી અવલોકન કર્યું હતું તેમજ આશ્રમના શાંત અને પવિત્ર વાતાવરણમાં સમય વિતાવ્યો હતો.

વિઝિટર્સ બુકમાં નોંધ્યો ભાવસભર સંદેશ 

ગાંધી આશ્રમની મુલાકાતથી પ્રભાવિત થયેલા મુખ્ય ચૂંટણી કમિશનરે આશ્રમની મુલાકાતી પુસ્તિકા (વિઝિટર્સ બુક) માં પોતાના પ્રત્યાઘાત નોંધ્યા હતા. તેમણે સંદેશ આપતા લખ્યું હતું કે, “જે પવિત્ર સ્થળેથી વિશ્વ શાંતિ અને માનવતાનો સંદેશ પ્રસર્યો છે, તે પવિત્ર સ્થળની મુલાકાત લેવી મારા માટે અત્યંત ગૌરવ અને સન્માનની વાત છે.”

આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની માહિતી મેળવી, ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત 

પોતાના આ પ્રવાસ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ ગાંધી આશ્રમના ચાલી રહેલા મહત્વકાંક્ષી નવીનીકરણ અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે પણ સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળે, અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિતના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા