સપ્ટેમ્બર 10, 2026 3:40 પી એમ(PM)

printer

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે પોતાના 2 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ બાદ અડાલજ પહોંચેલા મુખ્ય ચૂંટણી કમિશનરે વાવના અદભુત શિલ્પ-સ્થાપત્ય અને બેનમૂન નકશીકામનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને ભારતીય સંસ્કૃતિની આ ધરોહરથી પ્રભાવિત થયા હતા.

જિલ્લા કલેક્ટર અને સરપંચ દ્વારા ભાવભીનું સ્વાગત 

અડાલજની વાવ ખાતે મુખ્ય ચૂંટણી કમિશનરનું ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે તથા અડાલજ ગામના સરપંચ પ્રજ્ઞેશ પટેલ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું હતું. મુલાકાત દરમિયાન ભારત સરકારના અધિકૃત ટૂર ગાઈડ ગિરીશ ગુપ્તાએ મુખ્ય ચૂંટણી કમિશનરને અડાલજની વાવના ઐતિહાસિક મહત્વ, બાંધકામ શૈલી અને તેની વિશિષ્ટતાઓ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.

સ્થાનિક શાળાઓના બૂથ લેવલ ઓફિસરો (BLO) સાથે સંવાદ 

પોતાના પ્રવાસ દરમિયાન વહીવટી અને ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી મુખ્ય ચૂંટણી કમિશનરે વિશેષ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કુમાર અને કન્યા પ્રાથમિક શાળા, દંતાલી, જમિયતપુરા, શેરથા તેમજ માણેકબા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા બૂથ લેવલ ઓફિસરો સાથે તેમણે રૂબરૂ ચર્ચા કરી હતી. ચૂંટણી પ્રક્રિયામાં પાયાના સ્તરે કામ કરતા આ કર્મચારીઓની કામગીરીની તેમણે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઉચ્ચ અધિકારીઓ અને પુરાતત્વ વિભાગના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત 

આ મુલાકાત પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળે, ગાંધીનગર કલેક્ટર રવિન્દ્ર ખતાલે, આર્કિયોલોજી (પુરાતત્વ) વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ દિનેશકુમાર મીના તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.