પંચમહાલ જિલ્લાના જેપુરા ગામની 13 વર્ષની દીકરી છાયલ પરમારે બૌદ્ધિક દિવ્યાંગતાને હરાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. હોંગકોંગ ખાતે યોજાયેલી ‘2026 સ્પેશિયલ ઓલિમ્પિક્સ ઈસ્ટ એશિયા રિજિયોનલ બૉલિંગ ચેમ્પિયનશિપ’માં શાનદાર પ્રદર્શન કરીને છાયલે 2 ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
ગુજરાતમાંથી પસંદ થયેલી 2 ખેલાડીઓમાં સામેલ
હોંગકોંગમાં આયોજિત આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટેની ભારતીય ટીમમાં પુડુચેરી, ચંદીગઢ, પંજાબ અને ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમમાં ગુજરાતમાંથી પસંદગી પામેલી ખેલાડીઓમાં માત્ર 2 જ દીકરીઓનો સમાવેશ થયો હતો, જેમાં પંચમહાલની 13 વર્ષીય છાયલ પરમાર પણ સામેલ હતી. મર્યાદિત સંસાધનો અને ગ્રામ્ય પૃષ્ઠભૂમિ હોવા છતાં તેણે પોતાની ક્ષમતાને આંતરરાષ્ટ્રીય મંચ પર સાબિત કરી બતાવી છે.
સામાન્ય રમતથી શરૂ થયેલી સફર ગોલ્ડ મેડલ સુધી પહોંચી
બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતી છાયલ માટે બૉલિંગની શરૂઆત માત્ર એક સામાન્ય રમત તરીકે થઈ હતી. શરૂઆતમાં સ્પર્ધામાં ભાગ લેવાની તક મળવી જ તેના માટે મોટી વાત હતી. પરંતુ નિયમિત તાલીમ, પરિવારનું સતત પ્રોત્સાહન અને કોચના સચોટ માર્ગદર્શનથી તેની બૉલિંગ ટેકનિકમાં નોંધપાત્ર સુધારો થયો. આ રમત તેના માટે માત્ર શારીરિક કસરત ન રહેતા શિસ્ત, ધીરજ, એકાગ્રતા અને ટીમવર્ક શીખવા સાથે આત્મવિશ્વાસ વધારવાનું માધ્યમ બની ગઈ.
ભારતીય ટીમે કુલ 20 મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું
આ 2026 સ્પેશિયલ ઓલિમ્પિક્સ ઈસ્ટ એશિયા રિજિયોનલ બૉલિંગ ચેમ્પિયનશિપમાં સમગ્ર ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 20 મેડલ જીત્યા હતા, જેમાં 10 ગોલ્ડ, 7 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતની આ મોટી સફળતામાં છાયલના 2 ગોલ્ડ મેડલનું યોગદાન અત્યંત નોંધપાત્ર રહ્યું છે.