કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક ડૉ. ઝાકિર નાઈકના સંગઠન, ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (IRF) પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.
ગઈકાલે એક જાહેરનામામાં, ગૃહ મંત્રાલયે IRF ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું. મંત્રાલયે જણાવ્યું હતું કે સંગઠનની પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સુરક્ષા, સાંપ્રદાયિક સંવાદિતા અને ધર્મનિરપેક્ષતા માટે ખતરો છે. ગૃહ મંત્રી અમિત શાહના કાર્યાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ નિર્ણય આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે સરકારની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે સંગઠન સાંપ્રદાયિક નફરત ફેલાવવા, આતંકવાદને પ્રોત્સાહન આપવા અને અલગતાવાદી વિચારોનો પ્રચાર કરવામાં સામેલ રહ્યું છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકારે સૌપ્રથમ નવેમ્બર 2016 માં IRF પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ નવેમ્બર 2021 માં આ પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.