સપ્ટેમ્બર 13, 2026 8:07 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટ દરમિયાન અલગ – અલગ વૈશ્વિક નેતાઓ સાથે અસંખ્ય દ્વિપક્ષીય બેઠકો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમમાં બ્રિક્સ સમિટ દરમિયાન અલગ – અલગ વૈશ્વિક નેતાઓ સાથે અસંખ્ય દ્વિપક્ષીય બેઠકો કરી. 

શ્રી મોદીએ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ત ટોકાયેવ સાથે દ્વિપક્ષીય બેઠકમાં પરસ્પર સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી. બંને નેતાઓએ રાજકારણ, વેપાર, સંરક્ષણ અને સુરક્ષા, સંપર્ક, ઊર્જા, મહત્વપૂર્ણ ખનિજો, ઉભરતી ટેકનોલોજી, સર્જનાત્મક અર્થતંત્ર અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી.

પ્રધાનમંત્રીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે પણ બેઠક કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે આ બેઠકમાં પ્રાદેશિક ઘટનાક્રમ અને ભારત-ઇજિપ્ત ભાગીદારી સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ.

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથેની મુલાકાતમાં શ્રી મોદીએ કહ્યું કે બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી મજબૂત કરવાનું ચાલુ રાખશે.

શ્રી મોદીએ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ આર. માર્કોસ જુનિયર સાથે પણ વાતચીત કરી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો.

યુગાન્ડાના ઉપ-રાષ્ટ્રપતિ જેસિકા અલુપો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને ટેકનોલોજી ભાગીદારી, ક્ષમતા નિર્માણ, જ્ઞાનનું આદાન-પ્રદાન, રોકાણ સરળ બનાવવા અને ખાનગી ક્ષેત્ર સાથે સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકા અને બુરુંડીના રાષ્ટ્રપતિઓ અને નાઇજીરિયાના ઉપ-રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય બેઠકો કરી.

છેલ્લા ત્રણ દિવસમાં બ્રિક્સ શિખર સંમેલનની સાથે સાથે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારના વડાઓ સાથે 15 દ્વિપક્ષીય બેઠકો કરી છે. તેમણે વિશ્વના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ સાથે પણ અનેક અનૌપચારિક બેઠકો કરી.