પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મહામારી, આબોહવા સંબંધિત આપત્તિઓ અને પુરવઠા શૃંખલામાં અવરોધોએ દર્શાવ્યું છે કે આજના પરસ્પર જોડાયેલા વિશ્વમાં કોઈપણ સંકટ એક પ્રદેશ પૂરતું સીમિત રહેતું નથી.
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બ્રિક્સ સમિટના મુક્ત સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, બ્રિક્સ રાષ્ટ્રોએ જૂથ વચ્ચે સ્થિતિસ્થાપકતા વધારવા પર વિશેષ ભાર મૂક્યો છે. સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા પરના સત્રમાં શ્રી મોદીએ પડકારોની સમયસરની ઓળખ, પૂર્વતૈયારીઓ અને અસરકારક પગલાં લેવા પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આપત્તિ વ્યવસ્થાપન માટે પ્રારંભિક ચેતવણી ડેટા એકીકરણ માર્ગદર્શિકા ઘડવામાં આવી છે.
શ્રી મોદીએ ચેતવણી આપી કે ટેકનોલોજી અને મહત્વપૂર્ણ ખનિજોનું શસ્ત્રીકરણ પ્રગતિ માટે અવરોધક બની શકે છે. BRICS રાષ્ટ્રોએ ટેકનોલોજી અપનાવવામાં સમાવેશકતા પર ભાર મૂક્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે BRICS લોજિસ્ટિક સપ્લાય ચેઇન કોઓપરેશન ફ્રેમવર્ક પુરવઠા શ્રુંખલાને વધુ સુદ્રઢ બનાવશે. તેમણે ઉમેર્યું કે ડિજિટલ કૃષિ પર બ્રિક્સ નેટવર્ક ખેડૂતો માટે નવી તકો ઊભી કરશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું કે BRICS માં વૈશ્વિક દક્ષિણ રાષ્ટ્રોનો વિશ્વાસ વધ્યો છે.