ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ “સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણાની થીમ સાથે આજે નવી દિલ્હીમાં 18મું બ્રિક્સ સંમેલન યોજાઇ રહ્યું છે. નવી દિલ્હી ખાતે બપોર બાદ આ ઉચ્ચસ્તરીય સંમેલનનો આરંભ થશે.. ભારત મંડપમ ખાતેના આ બે દિવસીય સંમેલનમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ભારત, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને યુએઈ સહિત અગિયાર મુખ્ય વિકાસશીલ અર્થતંત્રોના વડાઓ એક મંચ પર આવશે. સંમેલન દરમિયાન, બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ વૈશ્વિક શાસન, બહુપક્ષીયતા, વેપાર અને રોકાણ, ટેકનોલોજી, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, આરોગ્યસંભાળ, આપત્તિ સ્થિતિસ્થાપકતા અને મહત્વપૂર્ણ પુરવઠા શૃંખલા સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન ભાગ લેશે.
આ સમિટ બ્રિક્સ સભ્ય દેશો માટે “સમાવિષ્ટ વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતાને મજબૂત બનાવવા”ના વિષય પર વિવિધ સત્ર યોજાશે. બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ ભારત મંડપમ ખાતે ભારત ઇનોવેટ્સ પ્રદર્શનની પણ મુલાકાત લેશે. ત્યારબાદ સંયુક્ત વૃક્ષારોપણ સમારોહ અને પ્રધાનમંત્રી મોદી દ્વારા આયોજિત ગાલા ડિનરમાં તમામ નેતાઓ જોડાશે
આવતીકાલે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભ્ય દેશો અને દસ ભાગીદાર દેશોના નેતાઓનું સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું: સમાવેશી વૈશ્વિક વિકાસ માટે ભવિષ્યને આકાર આપવાના વિષય પર મુક્ત સત્ર માટે સ્વાગત કરશે. ભાગીદાર દેશો બેલારુસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલેશિયા, નાઇજીરીયા, થાઇલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ પણ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.