સપ્ટેમ્બર 13, 2026 7:54 પી એમ(PM)

printer

18 મું બ્રિક્સ શિખર સંમેલન આજે નવી દિલ્હીમાં પૂર્ણ થયું

18મું બ્રિક્સ શિખર સંમેલન આજે નવી દિલ્હીમાં પૂર્ણ થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે બ્રિક્સની વિવિધતા જ તેની ઓળખ રહેવી જોઈએ, સહયોગ એ તેની પ્રેરણા હોવો જોઈએ અને તેની પ્રગતિ માનવતાના કલ્યાણમાં યોગદાન આપનારી હોવી જોઈએ.

બે દિવસીય શિખર સંમેલનના અંતિમ દિવસે પોતાના સમાપન ભાષણમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે બ્રિક્સ એ માત્ર દેશોનું જૂથ નથી પરંતુ ઉકેલોનું એક ઇકોસિસ્ટમ છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા બે દિવસની ચર્ચાઓએ આ વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે.

શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે સંમેલનમાં અપનાવવામાં આવેલું નવી દિલ્હી જાહેરનામું સહિયારા વિઝન અને ભવિષ્યના સહયોગ માટે સ્પષ્ટ દિશા પ્રદાન કરશે. તેમણે તમામ પરિણામોને સમયબદ્ધ પગલાંમાં બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી છેવાડાના વ્યક્તિ સુધી તેનો પ્રભાવ પહોંચી શકે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બ્રિક્સ દેશો એ સુનિશ્ચિત કરવા સાથે મળીને કામ કરશે કે બ્રિક્સ માળખું માત્ર કાગળ પરની દસ્તાવેજીકરણ પ્રક્રિયાથી આગળ વધીને જમીની સ્તરે મૂર્ત અસરો ઊભી કરે.

બ્રિક્સ તેના ત્રીજા દાયકામાં પ્રવેશવા જઈ રહ્યું છે તેવો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ દાવો કર્યો કે વિશ્વ હવે આ જૂથ પાસેથી માત્ર વિચારો અને પ્રતિબદ્ધતાઓ જ નહીં પરંતુ નક્કર પરિણામોની અપેક્ષા રાખે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બ્રિક્સ સામૂહિક પ્રયાસો દ્વારા આ અપેક્ષાઓ પર ખરું ઉતરશે. પ્રધાનમંત્રીએ બ્રિક્સના આગામી અધ્યક્ષ તરીકે ચીનને પોતાની શુભકામનાઓ પણ પાઠવી.

આ અગાઉ, પોતાના પ્રારંભિક વક્તવ્યમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે બ્રિક્સ જૂથમાં સ્થિતિસ્થાપકતા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે મહામારી, આબોહવા આપત્તિઓ અને સપ્લાય-ચેઇનમાં અવરોધોએ દર્શાવ્યું છે કે આજના પરસ્પર જોડાયેલા વિશ્વમાં કોઈ પણ સંકટ માત્ર એક ક્ષેત્ર પૂરતું સીમિત રહેતું નથી.

શ્રી મોદીએ ચેતવણી આપી હતી કે ટેકનોલોજી અને મહત્વપૂર્ણ ખનિજોનું શસ્ત્રીકરણ પ્રગતિમાં અવરોધ બની શકે છે. તેમણે કહ્યું કે બ્રિક્સ દેશોએ ટેકનોલોજીને અપનાવવામાં સમાવેશીતાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

શ્રી મોદીએ કહ્યું કે સ્માર્ટ ગ્રિડ અને એનર્જી સ્ટોરેજ માટે બ્રિક્સ ડિજિટલ સેન્ટર ઓફ એક્સેલન્સની પણ સ્થાપના કરવામાં આવી છે, જે સ્વચ્છ ઊર્જા પ્રણાલીઓને વધુ વિશ્વસનીય, કાર્યક્ષમ અને સુલભ બનાવવામાં મદદ કરશે.

આ અગાઉ, પ્રધાનમંત્રી મોદીએ સંમેલનના બીજા અને અંતિમ દિવસે બ્રિક્સ ભાગીદાર દેશોના નેતાઓનું સ્વાગત કર્યું હતું. જેમાં મલેશિયાના પ્રધાનમંત્રી અન્વર ઇબ્રાહિમ, વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન્હ હંગ, સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન ફૈસલ બિન ફરહાન અને સંયુક્ત રાષ્ટ્રના મંત્રી અન્ટોનિયો ગુટેરેસનો સમાવેશ થાય છે.

ત્યારબાદ નેતાઓએ સમૂહ છબી માટે પોઝ આપ્યો હતો. દસ બ્રિક્સ ભાગીદાર દેશો બેલારુસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલેશિયા, નાઇજીરિયા, થાઇલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ છે.