સપ્ટેમ્બર 3, 2026 3:37 પી એમ(PM)

printer

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુની તપાસ CBI કરશે

મુંબઈ હાઈકોર્ટે દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે દિશાના પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે FIR નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી આ કેસની નિષ્પક્ષ અને સઘન તપાસ થઈ શકે.

પિતા સતીશ સલિયનની ફરિયાદ પર કોર્ટનો મોટો નિર્ણય 

આકાશવાણીના અહેવાલ મુજબ, ન્યાયાધીશ સારંગ વી. કોટવાલ અને ન્યાયાધીશ રણજીતસિંહ આર. ભોંસલેની ડિવિઝન બેન્ચે ગઈકાલે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. બેન્ચે સીબીઆઈને દિશા સલિયનના પિતા સતીશ સલિયન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે સત્તાવાર રીતે એફઆઈઆર (FIR) નોંધવા માટે સીધો નિર્દેશ આપ્યો છે. આ આદેશથી લાંબા સમયથી ચાલી રહેલા આ હાઈ-પ્રોફાઈલ કેસમાં નવો વળાંક આવ્યો છે.

8 જૂન 2020 ના રોજ 14મા માળેથી પટકાતા થયું હતું મોત 

નોંધનીય છે કે, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મેનેજર તરીકે કામ કરી ચૂકેલા દિશા સલિયનનું 8 જૂન, 2020 ના રોજ કરુણ મૃત્યુ થયું હતું. મુંબઈના ઉપનગરીય વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનના 14મા માળેથી નીચે પડી જવાથી તેમનો જીવ ગયો હતો. આ શંકાસ્પદ ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા હતા અને સઘન તપાસની માંગ સતત કરવામાં આવી રહી હતી.

કોર્ટની સ્પષ્ટતા: ‘FIR નો અર્થ કોઈને દોષિત ઠરાવવો નથી’ 

સીબીઆઈ તપાસનો આદેશ આપવાની સાથે હાઈકોર્ટે કાયદાકીય પાસા અંગે એક મહત્વની સ્પષ્ટતા પણ કરી છે. કોર્ટે જણાવ્યું છે કે માત્ર FIR નોંધવાના નિર્દેશનો અર્થ એ નથી થતો કે કોઈ પણ વ્યક્તિને સીધા જ દોષિત ઠરાવવામાં આવે. બેન્ચે ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું કે, તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી સામગ્રી અને પુરાવાઓના આધારે જ્યાં સુધી વાજબી શંકા ઉભી કરવા માટે પૂરતા કારણો ન મળે, ત્યાં સુધી તપાસ અધિકારી દ્વારા કોઈપણ વ્યક્તિને આરોપી તરીકે ગણવામાં આવશે નહીં.