નવેમ્બર 13, 2026 7:47 પી એમ(PM)

printer

ભગવાન બિરસા મુંડાની 151-મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત 14 આદિજાતિ જિલ્લામાં આજે યુવાસભા યોજાઈ

ધરતીઆબા ભગવાન બિરસા મુંડાની 151-મી જન્મજયંતી નિમિત્તે સરકાર દ્વારા રાજ્યભરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે 14 આદિજાતિ જિલ્લામાં 55 વિધાનસભા ક્ષેત્રમાં યુવાસભા યોજાઈ ગઈ.

છોટાઉદેપુરમાં યોજાયેલા યુવા સંવાદ કાર્યક્રમમાં યુવાનોના વિચાર, પ્રશ્નો અને અપેક્ષાઓ અંગે ચર્ચા થઈ. 

તો, ભરૂચમાં ઝાડેશ્વર ગામમાં યોજાયેલા યુવા સભા કાર્યક્રમમાં પ્રદેશ આદિજાતિ મોરચાનાં ઉપાધ્યક્ષ સુકિર્તી તડવીએ કહ્યું, વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા પાયારૂપ છે. આજના યુવાનોની વિચારસરણી અને પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશ-વિદેશ સુધી પહોંચી છે.

સાબરકાંઠામાં હિંમતનગરની વિદ્યાનગરી કૉલેજ ખાતે યોજાયેલા યુવા સંમેલનમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ઐતિહાસિક પ્રસંગો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની ગાથા નવી પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે.

ડાંગમાં આહવાના સાંસ્કૃતિક ભવન હૉલ ખાતે તેમજ પંચમહાલમાં ગોધરા જિલ્લા પંચાયત ખાતે યુવા સંમેલન યોજાયું. વલસાડમાં ધરમપુરના બામટી ખાતે યોજાયેલા યુવા સંમેલનમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે યુવાનોને ભારતની સૌથી મોટી શક્તિ ગણાવતા તેમને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રેરણા આપી. તો, ભારતીય રેલવેના ભાવનગર મંડળ દ્વારા પણ જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો.

તો, મહીસાગર જિલ્લામાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં મોટા સોનેલા ખાતે યુવા સંમેલન યોજાયું. આ પ્રસંગે મંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાના આદર્શ વ્યક્તિત્વમાંથી પ્રેરણા લેવા અપીલ કરી. ઉપરાંત સંતરામપુર ખાતે યોજાયેલાં યુવા સંમેલનમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ યુવાનોને જળ, જંગલ અને જમીનનું જતન કરવા અપીલ કરી.

તો, નર્મદામાં રાજપીપળાના ટાઉનહૉલ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિતે યુવાનોને દેશ પ્રથમની ભાવના સાથે આગળ વધવા અપીલ કરી. ઉપરાંત દેડિયાપાડાના જાનકી આશ્રમમાં યોજાયેલાં કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ યુવાનોને વ્યસનમુક્તિ સાથે IAS-IPS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લક્ષ્ય બનાવવા જણાવ્યું.

સુરતમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કામરેજ, ધારાસભ્ય કુંવરજી હળપતિ માંડવી, ધારાસભ્ય મોહન ઢોડિયા મહુવા અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા માંગરોળના વાંકલ ખાતેના કાર્યક્રમમાં જોડાયા. આ પ્રસંગે કલેક્ટર તેજસ પરમારે યુવાનોને મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી એકાગ્રતાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા અપીલ કરી. દાહોદમાં અન્ન અને નાગરિક પૂરવઠા રાજ્યમંત્રી પી. સી. બરંડાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સૌને ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું.