નેપાળ અને તેના કેચમેન્ટ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે બિહાર રાજ્યમાં વહેતી ગંડક અને કોસી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીઓના ધસમસતા પ્રવાહને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વાલ્મીકિનગર અને કોસી બેરેજના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. નદીના જળસ્તરમાં વધારાની સંભાવનાઓને જોતા બિહારના 4 જિલ્લાઓમાં વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે.
વાલ્મીકિનગરના 36 અને કોસી બેરેજના 20 દરવાજા ખોલાયા
નેપાળમાં આવેલા ભયંકર પૂરની સીધી અસર બિહારની નદીઓ પર જોવા મળી રહી છે. નદીઓમાં પાણીની આવક અચાનક વધતા તંત્ર સાબદું બન્યું છે. નદીના પાણીના પ્રવાહને સુરક્ષિત રીતે નિયંત્રિત કરવા માટે વાલ્મીકિનગર બેરેજના તમામ 36 દરવાજા અને કોસી બેરેજના 20 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જોકે, રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન બંને નદીઓમાં પાણીના સ્તર અને છોડવામાં આવતા પાણીના જથ્થામાં ઘટાડો નોંધાયો છે.
કોસી બેરેજ સંપૂર્ણ સુરક્ષિત હોવાની સુપૌલ તંત્રની સ્પષ્ટતા
પૂરની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર બેરેજના જોખમ અંગે ભ્રામક સમાચારો ફેલાઈ રહ્યા હતા. આ અફવાઓનું ખંડન કરતા સુપૌલ જિલ્લા વહીવટીતંત્રે સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે કોસી નદીનું જળસ્તર સામાન્ય દરે જ વધી રહ્યું છે અને કોસી બેરેજ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સ્થાનિક પ્રશાસન દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
સંભવિત ખતરાને પગલે 4 જિલ્લાઓમાં એલર્ટ
નેપાળમાં વરસાદની સ્થિતિને જોતા આગામી સમયમાં પાણીના સ્તરમાં હજુ વધુ વધારો થવાની સંભાવનાઓ રહેલી છે. આ જોખમને ધ્યાનમાં રાખીને બિહાર સરકાર દ્વારા પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સારણ અને ગોપાલગંજ જિલ્લાના વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.