સપ્ટેમ્બર 9, 2026 7:30 પી એમ(PM)

printer

CM ભૂપેન્દ્ર પટેલે ‘ભીષ્મ ક્યૂબ R-300’ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા ખાતે અત્યાધુનિક પોર્ટેબલ મોબાઈલ ઈમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘ભીષ્મ ક્યૂબ R-300’ ના વિશેષ નિદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આપાતકાલીન સ્થિતિમાં 300 જેટલા લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ આ સંપૂર્ણ સ્વદેશી મેડિકલ ક્યૂબનું વિધાનસભામાં 3 દિવસ માટે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે.

થોડી જ મિનિટોમાં કાર્યરત થઈ જતી અત્યાધુનિક હોસ્પિટલ 

ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સેક્રેટરીએટના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી ‘આરોગ્ય મૈત્રી’ પહેલ અંતર્ગત આ વિશેષ ‘ભીષ્મ ક્યૂબ R-300’ તૈયાર કરવામાં આવી છે. આ એક એવી આધુનિક પોર્ટેબલ હોસ્પિટલ છે, જેને અત્યંત જટિલ કે અણધારી આપાતકાલીન પરિસ્થિતિઓમાં માત્ર થોડી જ મિનિટોમાં ઘટનાસ્થળે તહેનાત કરી શકાય છે. આ ક્યૂબ દ્વારા સ્થળ પર જ તાત્કાલિક ટ્રોમા સારવાર, શસ્ત્રક્રિયા (સર્જરી), રોગ નિદાન અને અન્ય તમામ જરૂરી જીવનરક્ષક સુવિધાઓ પૂરી પાડી શકાય છે.

ભૂકંપ અને યુદ્ધ જેવી સ્થિતિમાં ‘સંકટમોચન’ સાબિત થશે ક્યૂબ 

આ નવીન મેડિકલ ટેક્નોલોજી અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આ સુવિધા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, “ગુજરાત વિધાનસભામાં આજે એક ક્યૂબ દ્વારા 300 લોકોની જાન બચાવી શકાય તેવી સિસ્ટમનું 3 દિવસ માટે પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવ્યું છે. જ્યારે ભૂકંપ હોય, યુદ્ધ જેવી ભયાનક સ્થિતિ હોય કે કોઈ મોટી બિલ્ડીંગ ધરાશાયી થવા જેવી દુર્ઘટનામાં જાનહાની થતી હોય, ત્યારે સંપૂર્ણપણે ભારતમાં બનેલી આ ક્યૂબ એક સાચા ‘સંકટમોચન’ તરીકે કામ કરશે.”

સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી અને ભવિષ્યની તૈયારી 

સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી આ પોર્ટેબલ મેડિકલ હોસ્પિટલ ‘મેક ઈન ઈન્ડિયા’ અને આત્મનિર્ભર ભારત અભિયાનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભવિષ્યમાં રાજ્ય કે દેશમાં કોઈપણ મોટી કુદરતી આપત્તિ કે માનવસર્જિત દુર્ઘટના સમયે આ સુવિધા ઘાયલ થયેલા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેનાથી બચાવ અને તબીબી રાહત કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવી શકાશે.