ઓગસ્ટ 26, 2026 3:46 પી એમ(PM)

printer

ભાવનગરમાં એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ફૂટપાથ પર બેઠેલા માતા અને 7 વર્ષની માસૂમ પુત્રીનું મોત

ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહેલી એસ.ટી. બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડીને ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં ફૂટપાથ પર વાહનની રાહ જોઈ રહેલા માતા અને તેમની 7 વર્ષની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બસ પર કાબૂ ન રહેતા સીધી ફૂટપાથ પર ચડી 

અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સિહોર-ટાણા-વરલ રૂટની એસ.ટી. બસ શહેરના મુખ્ય બસ સ્ટેન્ડના ગેટમાંથી બહાર નીકળી રહી હતી. તે સમયે કોઈ અગમ્ય કારણોસર ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. સ્પીડમાં દોડતી આ બસની બ્રેક ન લાગતાં કે સ્ટીઅરીંગ પરનો કાબૂ છૂટી જતાં, બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી. ત્યાં ઉભેલા પ્રવાસીઓને અડફેટે લઈને બસ ભરૂચા ક્લબની મજબૂત દીવાલ સાથે ભયાનક રીતે ટકરાઈ ગઈ હતી.

વતન જવા વાહનની રાહ જોતા માતા-પુત્રી કાળનો કોળિયો બન્યા 

આ અકસ્માતમાં સિહોર તાલુકાના રામધરી ગામના વતની 28 વર્ષીય લલીતાબેન ગુલાબસિંહ પરમાર અને તેમની 7 વર્ષની પુત્રી સોનિયાબેન ભોગ બન્યા હતા. માતા-પુત્રી પોતાના અંગત કામ સબબ ભાવનગર આવ્યા હતા અને કામ પતાવીને પરત ગામે જવા ફૂટપાથ પર બેસીને વાહનની રાહ જોઈ રહ્યા હતા. અચાનક કાળ બનીને આવેલી બસે બંનેને અડફેટે લેતા લોહીલુહાણ હાલતમાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં ખસેડાયા 

અકસ્માતની આ ઘટનામાં ઉમરાળા તાલુકાના ઠોડા ગામના રહેવાસી મધુબેન લાલજીભાઈ વાઘેલા પણ બસની ઝપેટમાં આવી ગયા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને વેપારીઓ દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઘવાયેલા મધુબેનને વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા ક્રેનની મદદથી બસ હટાવાઈ, તપાસ શરૂ 

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક જામ હળવો કરવા ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત બસને હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ અકસ્માત બસની બ્રેક ફેલ થવાના કારણે સર્જાયો છે કે ડ્રાઈવરની બેદરકારીના કારણે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના બે સભ્યોના અકાળે અવસાનથી રામધરી ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.