બૅલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી’વેવરે આજે ભારત અને બૅલ્જિયમ વચ્ચે હીરા વેપાર ભાગીદારીને અતૂટ સંબંધ ગણાવતા કહ્યું, સદીઓ જૂનો આ સંબંધ પરસ્પર વિશ્વાસ, પારદર્શકતા અને સહકાર પર આધારિત છે. મુંબઈમાં ભારત ડાયમંડ બૂર્સ ખાતે એક સત્રમાં શ્રી ડી વેવરે હીરા ઉદ્યોગમાં ભારત અને બૅલ્જિયમની પૂરક શક્તિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારતને વિશ્વની કાર્યશાળા તથા બૅલ્જિયમના શહેર ઍન્ટવર્પને વૈશ્વિક સંપર્કનું મંચ ગણાવ્યું.
વિશ્વના હીરાના પાટનગર તરીકે જાણીતા મુંબઈ અને ઍન્ટવર્પ વચ્ચેની સમાનતાઓને દર્શાવતા શ્રી ડી વેવરે કહ્યું, બંને બંદર શહેર પોતપોતાના દેશના આર્થિક ઍન્જિન છે. તેમણે કહ્યું, મુંબઈમાં આવેલું HRD ઍન્ટવર્પની નવી કચેરી બંને દેશ વચ્ચે હીરા વેપારને વધુ મજબૂત બનાવશે.
શ્રી ડી વેવરે ભારતીય વ્યવસાયો માટે વેપારને અનુકૂળ વાતાવરણ બનાવવા માટે બૅલ્જિયમ સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. શ્રી ડી વેવરે ભારત અને યુરોપીયન સંઘ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી કરાર વિવિધ ક્ષેત્રમાં વેપારને મહત્વનું પ્રોત્સાહન આપશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.