બનાસકાંઠાના સર્વાંગી વિકાસ અને હરિત ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે ‘બનાસ બાયો-સીએનજી મોડેલ પ્લાન્ટ’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને એનડીડીબીના સંયુક્ત ઉપક્રમે સાકાર થયેલા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન તોશિહિરો સુઝુકી સહિતના દિગ્ગજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકારી મોડેલ આધારિત દેશની પ્રથમ ‘ગ્રામીણ ભારત ટેક્સી’ને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી.
રોજબરોજ 100 મેટ્રિક ટન ગોબરનું થશે પ્રોસેસિંગ
વિંછીવાડી ખાતે કાર્યરત કરાયેલા આ બાયો-સીએનજી પ્લાન્ટમાં દૈનિક 100 મેટ્રિક ટન ગાયના ગોબરનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા છે. આ ગોબરમાંથી ઉત્પન્ન થતો સીએનજી ગેસ સીધો પંપ મારફતે વિતરિત કરવામાં આવશે. આ ઉપરાંત, પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીમાંથી ‘ભૂમિ અમૃત’ નામે પ્રમાણિત ઘન અને પ્રવાહી ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવશે, જે રાસાયણિક ખાતરોનો વિકલ્પ બની જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ થશે.
દેશભરમાં 1,000 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું લક્ષ્ય
આ પ્રસંગે સુઝુકી મોટર્સના ચેરમેન તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે, ભારત અને જાપાન વચ્ચેના સંયુક્ત સંકલ્પ થકી દેશભરમાં 1,000 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું સ્વપ્ન હવે ઝડપથી સાકાર થઈ રહ્યું છે. સુઝુકી કંપની ભારતમાં 40 વર્ષના બહોળા અનુભવ સાથે બનાસ ડેરીના સહયોગથી આ ક્રાંતિને આગળ ધપાવવા કટિબદ્ધ છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, બૃહદ બનાસકાંઠામાં સુઝુકીના રૂ. 250 કરોડના રોકાણ સાથે બાયો-સીએનજી ક્રાંતિ આગળ વધી રહી છે. આગામી સમયમાં થરાદ અને રાધનપુરમાં પણ આવા પ્લાન્ટ આકાર લેશે.
સહકારી મોડલ આધારિત ‘ભારત ટેક્સી’નો પ્રારંભ
આ કાર્યક્રમનું એક મોટું આકર્ષણ સહકારી મોડલ પર આધારિત દેશની સૌપ્રથમ ‘ભારત ટેક્સી’નો શુભારંભ હતો. પ્રાથમિક તબક્કે 9 ટેક્સીઓ સાથે શરૂ થયેલી આ પહેલથી સ્થાનિક યુવાનોને રોજગારી મળશે અને વાહનચાલક પોતે વાહનનો માલિક બની શકશે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, સરકાર દ્વારા બજેટમાં બાયો-સીએનજી પ્લાન્ટના મોડલને સમગ્ર રાજ્યમાં વિસ્તારવા રૂ. 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને આગામી સમયમાં અન્ય 7 ડેરીઓમાં પણ આવા પ્લાન્ટ સ્થાપાશે.
બનાસ ડેરી: ગ્રામીણ અર્થતંત્રની મજબૂત કરોડરજ્જુ
રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ બનાસ ડેરીની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, બનાસ ડેરી આજે દૈનિક રૂ. 46 કરોડ અને વાર્ષિક અંદાજે રૂ. 16,800 કરોડ પશુપાલકોના બેંક ખાતામાં જમા કરાવી ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ બની છે. આ પ્રોજેક્ટથી કાર્બન ઉત્સર્જન ઘટશે અને પશુપાલકોને દૂધ ઉપરાંત ગોબરમાંથી પણ આર્થિક ઉપાર્જન થશે. આ પ્રસંગે 180 દૂધ ઉત્પાદક લાભાર્થીઓને રૂપિયા 3.37 કરોડની સહાયના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.