અંબાજી ખાતે ગઇકાલથી પરંપરાગત ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬નો પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશ પટેલે મા અંબાના રથનંં પૂજન-અર્ચન કરી મેળાનો આરંભ કરાવ્યો હતો. ભાદરવી પૂનમ સુધીમાં લાખ્ખો માઇ ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવશે.
ભક્તો મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યાં છે ત્યારે આ ભક્તોના ભોજન અને ઉતારાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર મિહીર પટેલે જણાવ્યુ હતું.
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. પ્રથમ દિવસે કુલ 4 લાખ 37 હજાર 850 ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મેળા દરમિયાન 11 હજાર 047 યાત્રિકોએ ઉડનખટોલાની સુવિધાનો લાભ લીધો હતો. જ્યારે એસ.ટી. બસ મારફતે 12 હજાર 208 મુસાફરોએ મુસાફરી કરી હતી અને બસોની કુલ 315 ટ્રીપ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે 403 ધજારોહણ કરવામાં આવ્યા હતા.
માઈભક્તો માટે યોજાયેલા ભોજન પ્રસાદનો 66 હજાર 868 યાત્રિકોએ લાભ લીધો હતો. મંદિર તરફથી 4 લાખ 08 હજાર 278 મોહનથાળ પ્રસાદના પેકેટ તથા 5 હજાર 518 ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભંડાર કાઉન્ટર પર 32 લાખ 89 હજાર 538 રૂપિયાની આવક થઈ હતી.
મેળા દરમિયાન આરોગ્ય વિભાગની સેવાઓનો પણ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. પ્રથમ દિવસે 14 હજાર 406 ભક્તોએ આરોગ્ય સારવાર મેળવી હતી. ભીડમાં બાળકોની સુરક્ષા માટે આપવામાં આવેલા 7 હજાર 81 બાળ સુરક્ષા કાર્ડ પણ નોંધાયા હતા.