શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો આજે મધરાતે પૂર્ણ થશે. સાત દિવસ ચાલેલા આ મહામેળામાં અંદાજિત 40 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર સહિત સમગ્ર યાત્રાધામ ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી રહ્યું છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, આ મહામેળો આજે રાત્રે 12 વાગ્યે ઔપચારિક રીતે પૂર્ણ ગણાશે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલ ‘નાના અંબાજી’ મંદિરે ભાદરવી પૂનમના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મા અંબાના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું. અરવલ્લી, સાબરકાંઠા અને ગુજરાત ભરના વિસ્તારોમાંથી હજારો પદયાત્રીઓ હાથમાં લાલ ધજાઓ લઈને ચાલતાં મા અંબાના દરબારમાં પહોંચ્યા હતા.