એશિયન ગેમ્સમાં 2026 ભારતીય દોડવીરોએ આજે નાગોયામાં મિશ્ર 4×400 મીટર રિલે સ્પર્ધામાં રજત પદક જીત્યું છે. પૂવમ્મા રાજુ, વિશાલ થેનારાસુ, વિથ્યા રામરાજ અને મનુ ટી. એસ. ની ચોકડીએ હેંગઝોઉમાં રમતની છેલ્લી આવૃત્તિમાં જીતેલા ભારતના રજત ચંદ્રકનો બચાવ કરવા માટે 3 મિનિટ 14.46 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી. બહેરીને 3 મિનિટ 12.87 સેકન્ડના ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો.
તે પહેલાં, સીમા કુમારીએ 10,000 મીટર રેસમાં 32.50 મિનિટમાં ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ 16 વર્ષમાં એશિયન ગેમ્સમાં મહિલાઓની 10,000 મીટર સ્પર્ધામાં ભારતનો પ્રથમ ચંદ્રક છે.
અગાઉ, શૂટિંગમાં, અનંત જીત સિંહ નારુકા અને પરિનાઝ ધાલીવાલે પણ મિશ્ર સ્કીટ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે આ શ્રેણીમાં ભારત માટે પ્રથમ મેડલ હતો. ભારતીય જોડી 48માંથી માત્ર ચાર શોટ ચૂકી ગઈ હતી અને દક્ષિણ કોરિયા સાથે બરાબરી કરી હતી, પરંતુ ટાઈ-બ્રેકરમાં દક્ષિણ કોરિયા સામે હારી ગઈ હતી. ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બોક્સિંગમાં, પરવીને નિશિયો ખાતે રાઉન્ડ ઓફ 16માં તાજિકિસ્તાનની મલિકા નોઝીમોવાથી વોકઓવર મેળવ્યા બાદ મહિલાઓની 65 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તેનો સામનો વિશ્વ રજત પદક વિજેતા ઉઝબેકિસ્તાનની નવબખોર ખામિદોવા સાથે થશે.
સવારે, ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવી નાઓરેમે મહિલાઓની 60 કિલો સાંડા સ્પર્ધામાં ફાઇનલમાં ચીનના ઝાંગ ઝિયાઓયુ સામે 2-0 થી હાર્યા બાદ રજત પદક જીત્યું હતું. 2023ની હાંગઝોઉ ગેમ્સમાં સિલ્વર અને 2018ની જકાર્તા-પાલેમ્બાંગ ગેમ્સમાં બ્રોન્ઝ પછી રોશિબિના માટે આ ત્રીજો એશિયન ગેમ્સ મેડલ હતો. પુરુષોની ડબલ સ્કલ્સ રોઇંગમાં સતનામ સિંહ અને સલમાન ખાને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
જો કે, કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન સાક્ષી ચૌધરી મહિલાઓની 51 કિગ્રા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન અલુઆ બાલ્કીબેકોવા સામે હારીને ગેમ્સમાંથી બહાર થઈ ગઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેડલ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.