આજે અનંત ચતુર્દશી ર્વિઘ્નહર્તા ગણેશજી વિદાય લેશે – રાજ્યભરમાં વિસર્જન માટે વહીવટીતંત્ર સજ્જ.. ગણેશ ચોથના દિવસે સ્થાપન કરાયેલ ગણેશજીનું આજે ઘરો તેમજ પંડાલોમાંથી વિસર્જન કરાશે. રાજ્યભરમાં ગણેશ વિસર્જન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિસર્જનને કારણે ટ્રાફિક અંગે પણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નાગરિકોને ગણપતિ વિસર્જન અંગે ખાસ સંદેશ પાઠવ્યો હતો.
સુરત ઝોન-7 ના ડીસીપી શૈફાલી બરવાલે જણાવ્યું હતું કે 80 હજારથી વધુ ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે વ્યાપક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કુમારે જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન માટે 3 હજારથી વધુ કર્મચારીઓ અને 11 સુરક્ષા દળની ટુકડીઓ તૈનાત કરવામાં આવશે.
દરમિયાન, ગઇકાલે મોરબીના મચ્છુ 3 ડેમમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલ ચાર યુવાનો ડૂબી જવાની ઘટના બની હતી.
મોરબી મહાપાલિકા દ્વારા આ વખતે ગણેશ વિસર્જન માટે અલગ સ્થળ નક્કી કરવામાં આવ્યું હોવા છતાં મચ્છુ 3 ડેમમાં મોડી સાંજના સમયે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા મોરબી ફાયર ટીમે બે યુવાનોને બચાવી લીધા હતા જોકે બે હજુ લાપતા છે, જેની શોધખોળ ચલી રહી છે.