સપ્ટેમ્બર 17, 2026 7:37 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76-મા જન્મદિવસ નિમિત્તે વડનગરથી એક મહિનાના સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને જાહેર જીવનમાં તેમના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “સેવા સંકલ્પ અભિયાન”નો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીના વતન વડનગરથી શરૂ થયેલું આ અભિયાન આગામી 17 ઑક્ટોબર સુધી ચાલશે. આ પ્રસંગે જાહેરસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રીનું જીવન ભારત પ્રથમના મંત્ર અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત છે. તેમણે કહ્યું, વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દેશને હજી આવા સમર્પિત અને નિઃસ્વાર્થ ભાવથી પ્રેરિત નેતાઓની જરૂર છે.

શ્રી શાહે શ્રી મોદીના નેતૃત્વમાં થયેલા નોંધપાત્ર પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો.

અમારાં સંવાદદાતા અર્પણા ખુંટ જણાવે છે, પ્રધાનમંત્રીના જન્મસ્થળ વડનગરમાં આજે અનેક કલ્યાણકારી કાર્યક્રમ યોજાયા. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અન્ય મહાનુભાવો સાથે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી અને તળાવથી હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રામાં સહભાગી થયા. શ્રી શાહ વડનગર રેલવેમથક પર સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાયા. ઉપરાંત શ્રી શાહે અને શ્રી પટેલે વડનગરથી વારાણસી ભવ્ય બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું.

હવે શ્રી શાહ અમદાવાદમાં જમાલપુરના શ્રી જગન્નાથ મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ તેઓ કાંકરિયા પરિસરમાં આશીર્વાદનો દીવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.