ઓગસ્ટ 27, 2026 3:58 પી એમ(PM)

printer

અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત

આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ના પ્રચાર અને પ્રસાર માટે અમેરિકા તથા કેનેડાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સફળતાપૂર્વક અમદાવાદ પરત ફર્યું છે. અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિદેશ પ્રવાસ થકી રાજ્યમાં વિદેશી મૂડીરોકાણના નવા દ્વાર ખુલશે તેવી પ્રબળ અપેક્ષા છે.

પ્રધાનમંત્રી પરના વિશ્વાસથી ગુજરાતમાં આવશે મોટું રોકાણ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં વધુમાં વધુ વૈશ્વિક મૂડીરોકાણ લાવવાનો હતો. પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક સંબંધો અને તેમના પરનો અતૂટ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. આ જ વિશ્વાસના કારણે વિદેશી રોકાણકારો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં મોટા પાયે મૂડીરોકાણ કરવા માટે ભારે ઉત્સુક છે.

સેમિકન્ડક્ટર, AI અને ગિફ્ટ સિટી માટે યોજાઈ મહત્વની બેઠકો 

મુખ્યમંત્રીએ માહિતી આપતા ઉમેર્યું હતું કે, આ પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સેન્ટર અને મેન્યુફેક્ચરિંગ જેવા આધુનિક ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગિફ્ટ સિટી માટે ફાઇનાન્સિયલ ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ સાથે પણ અત્યંત ફળદાયી બેઠકો યોજાઈ હતી. પ્રતિનિધિ મંડળે સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડી.સી. અને ન્યૂયોર્ક જેવા શહેરોમાં ટેકનોલોજી અગ્રણીઓ અને ઈનોવેટર્સ સાથે સઘન મુલાકાતો કરી હતી.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027 માટે અપાયું આમંત્રણ 

મુખ્યમંત્રી અને તેમના પ્રતિનિધિ મંડળે વૈશ્વિક રોકાણકારો, યુવા ઉદ્યોગસાહસિકો અને વિદેશમાં વસતા ગુજરાતી ડાયસ્પોરાને આગામી 10 થી 12 જાન્યુઆરી, 2027 ના રોજ યોજાનારી 11 મી ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ માં ભાગ લેવા માટે વિશેષ આમંત્રણ પાઠવ્યું છે. આ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ, કોલાબરેશન અને પાર્ટનરશીપ માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

ઉચ્ચ અધિકારીઓ રહ્યા પ્રવાસમાં સહભાગી 

મુખ્યમંત્રી સાથેના આ મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. અમદાવાદ પરત ફરતા સમયે એરપોર્ટ પર ઇન્ડેક્સ-બી ના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપત, અધિક ઉદ્યોગ કમિશનર અમિત પ્રકાશ યાદવ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત અને જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને ડેલિગેશનને આવકાર્યું હતું.