તાજેતરમાં એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી આવતી ફ્લાઇટમાં ટર્બ્યુલન્સના કારણે સર્જાયેલી દુર્ઘટના મામલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પોતાનો પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે ફ્લાઇટના મુખ્ય પાઇલટનો સાયકો-એક્ટિવ ટેસ્ટ ‘બિન-નેગેટિવ’ આવ્યો છે. આ ગંભીર બેદરકારી સામે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને કડક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.
લેબોરેટરી ટેસ્ટમાં મુખ્ય પાઇલટનો રિપોર્ટ શંકાસ્પદ
AAIB ના પ્રારંભિક રિપોર્ટ અનુસાર, ફ્લાઇટ દિલ્હી જઈ રહી હતી ત્યારે ભયંકર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કેટલાક મુસાફરો ઘાયલ પણ થયા હતા. ઘટના બાદ પ્રોટોકોલ મુજબ બંને ફ્લાઇટ ક્રૂ (પાઇલટ અને કો-પાઇલટ) ના સાયકો-એક્ટિવ સબસ્ટન્સ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પાઇલટ ઇન કમાન્ડનો પ્રાથમિક રિપોર્ટ બિન-નેગેટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ચોકસાઈ માટે લોહીના નમૂના પેથોલોજીકલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં પુષ્ટિકરણ પરીક્ષણમાં પણ મુખ્ય પાઇલટનો રિપોર્ટ બિન-નેગેટિવ જ જોવા મળ્યો હતો. બીજી તરફ, કો-પાઇલટના નમૂના બંને પરીક્ષણોમાં સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા હતા.
AAIB ની DGCA ને તાત્કાલિક પગલાં લેવા ભલામણ
હાલમાં આ મામલે ટેકનિકલ અને અન્ય પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહી છે. AAIB એ સ્પષ્ટપણે નોંધ્યું છે કે ફરજ દરમિયાન ફ્લાઇટ ક્રૂ દ્વારા સાયકો-એક્ટિવ પદાર્થોનો ઉપયોગ અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે. તપાસ બ્યુરોએ DGCA ને આ મામલે પ્રાથમિકતાના ધોરણે કડક અને યોગ્ય પગલાં લેવા ભલામણ કરી છે. સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ અંતિમ અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે.
એર ઇન્ડિયાએ પાઇલટ્સનું સ્વૈચ્છિક પરીક્ષણ શરૂ કર્યું
રિપોર્ટ સામે આવ્યા બાદ એર ઇન્ડિયાએ તપાસ એજન્સીઓને તમામ સંબંધિત ઓપરેશનલ, જાળવણી અને ટેકનિકલ રેકોર્ડ્સની ઍક્સેસ આપીને સંપૂર્ણ સહકાર આપ્યો છે. એરલાઇને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેમના પાઇલટ્સ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જરૂરિયાતો મુજબ સખત તાલીમ, નિયમિત કુશળતા ચકાસણી અને તબીબી તપાસમાંથી પસાર થાય છે.