‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લઈ કેદીઓ સાથે સંવાદ કર્યો. મુખ્યમંત્રીએ કેદીઓ પાસેથી ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ભજનનું શ્રવણ કરી, સાચા વૈષ્ણવજન બનવા અનુરોધ કર્યો. જેલમાં કાર્યરત વિવિધ કૌશલ્ય વિકાસ કેન્દ્રોની મુલાકાત લઈ, કેદીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી.
મુખ્યમંત્રીએ કેદીઓને પણ જરૂરી સુવિધાઓ મળી રહે તેનું ધ્યાન રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવી રહ્યું હોવાનું કહ્યું હતું. મુખ્યમંત્રીએ આઝાદીની લડત દરમિયાન સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી, અબ્બાસ તૈયબજી, રવિશંકર મહારાજ અને રસિકલાલ પરીખ જેવા મહાનુભાવોએ સાબરમતી મધ્યસ્થ જેલના જે ઓરડાઓમાં નિવાસ કર્યો હતો, તેની મુલાકાત પણ લીધી હતી.