અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે શરૂ કરાયેલા જાગૃતિ અભિયાનને સફળતા મળી છે. પોલીસની અપીલ બાદ શહેરના સેક્ટર-2 વિસ્તારના નાગરિકોએ સ્વેચ્છાએ 263 જેટલા છરી, તલવાર અને ખંજર જેવા ઘાતક હથિયારો જાહેર સ્થળોએ ત્યજી દીધા છે, જેને પોલીસે કબજે કર્યા છે.
‘સમર્પણ સે સુરક્ષા’ અભિયાનની શરૂઆત
શહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે થતા હુમલાઓ અને શારીરિક ગુનાઓને અટકાવવા માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ‘સમર્પણ સે સુરક્ષા’ નામની પહેલ શરૂ કરવામાં આવી હતી. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (સેક્ટર-2) જયપાલ સિંહ રાઠોડે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઝોન 4, 5, 6 અને 8 હેઠળ આવતા 22 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વાહનો પર લાઉડસ્પીકર (પબ્લિક એડ્રેસ સિસ્ટમ) લગાવીને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ભૂતકાળમાં જ્યાં હથિયાર સંબંધિત ગુનાઓ વધુ નોંધાયા છે તેવા વિસ્તારોમાં લોકોને ગેરકાયદેસર હથિયારો જમા કરાવવા ખાસ અપીલ કરવામાં આવી હતી.
જાહેર સ્થળો અને કચરાપેટીઓ પાસેથી મળ્યા હથિયારો
પોલીસની અપીલને પગલે લોકોએ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે સીધા પોલીસ સ્ટેશન જવાના બદલે હથિયારોને જાહેર સ્થળો કે કચરાપેટીઓ નજીક મૂકી દીધા હતા. 29 ઓગસ્ટ સુધીમાં પોલીસે આવા સ્થળોએથી કુલ 263 તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ આંકડા મુજબ, બાપુનગરમાંથી સૌથી વધુ 27, દાણીલીમડામાંથી 19, નારોલમાંથી 18, ગોમતીપુર અને અમરાઈવાડીમાંથી 17-17, મણિનગરમાંથી 15, ખોખરામાંથી 14, નિકોલમાંથી 13 અને રામોલમાંથી 11 હથિયારો મળી આવ્યા છે. આ ઉપરાંત શાહીબાગ, સરદારનગર, ઓઢવ સહિતના વિસ્તારોમાંથી પણ હથિયારો કબજે કરાયા છે.
હવે સઘન કોમ્બિંગ હાથ ધરાશે, પકડાશે તો કડક કાર્યવાહી
હાલમાં અમદાવાદમાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ પ્રતિબંધિત હથિયારો રાખવા પર જાહેરનામું અમલમાં છે. જેસીપી રાઠોડે સ્પષ્ટ કર્યું છે કે સ્વેચ્છાએ હથિયારો ત્યજી દેનારા નાગરિકો સામે કોઈ કેસ દાખલ કરાયો નથી. જોકે, તેમણે આકરી ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સેક્ટર-2 ના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. જો આ દરમિયાન કોઈની પાસેથી પણ પ્રતિબંધિત હથિયાર મળી આવશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે હજુ પણ જે લોકો પાસે આવા હથિયારો છે તેમને સત્વરે જમા કરાવી દેવા અનુરોધ કર્યો છે.