રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક અત્યંત હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. બ્રેઈન હેમરેજના કારણે બ્રેઈનડેડ જાહેર કરાયેલી 41 વર્ષીય મહિલાના પરિવારે ગુપ્ત રીતે અંગદાન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ ઉમદા નિર્ણય થકી 4 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે.
27 ઓગસ્ટે મહિલાને બ્રેઈનડેડ જાહેર કરાયા
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 41 વર્ષીય મહિલાને ગંભીર બ્રેઈન હેમરેજ થતાં સિવિલ હોસ્પિટલના આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની સઘન સારવાર છતાં ગત 27 ઓગસ્ટના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. આ દુઃખદ સમયે હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. નિમેશ દેસાઈએ પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. શોકમગ્ન પરિવારે દુઃખની ઘડીમાં પણ હિંમત દાખવીને સહર્ષ અંગદાન માટે સંમતિ આપી હતી.
ચાર દર્દીઓના જીવનમાં આશાનું નવું કિરણ
આ ગુપ્ત અંગદાનમાં એક હૃદય, એક લીવર અને બે કિડનીનું દાન પ્રાપ્ત થયું હતું. મળેલું હૃદય યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે, જ્યારે લીવર અને બંને કિડનીને આઈકેડીઆરસી હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપિત કરાશે. આ પ્રસંગે ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અંગદાન એ કેવળ અંગોનું દાન નથી, પરંતુ કોઈના નિરાશ જીવનમાં આશા અને ખુશીઓ લાવવાનું શ્રેષ્ઠ મહાદાન છે. રક્ષાબંધનના પાવન પર્વે એક બહેનના આ દાનથી ચાર પરિવારોમાં ખુશીની નવી સવાર ઊગી છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 1083 અંગો અને પેશીઓનું દાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ઝુંબેશ ખૂબ જ સફળ રહી છે. અત્યાર સુધીમાં કુલ 252 અંગદાતાઓ પાસેથી 466 કિડની, 226 લીવર, 80 હૃદય, 34 ફેફસાં, 21 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 નાનાં આંતરડાં મળીને કુલ 835 અંગો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત 200 ચક્ષુઓ અને 48 ચામડી સહિત 248 પેશીઓનું પણ દાન મળ્યું છે. આમ, હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 1083 અંગો અને પેશીઓનું દાન મેળવીને અનેક લોકોના જીવ બચાવવામાં મોટી ભૂમિકા ભજવવામાં આવી છે.