અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની સતર્કતાના કારણે ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલા વડોદરાના એક દંપતીને 1928 ગ્રામ હાઇડ્રોપોનિક્સ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યું છે. દંપતીએ આ ગાંજો પોતાની ટ્રોલી બેગમાં ગુપ્ત ખાના બનાવીને છુપાવ્યો હતો.
ટ્રોલી બેગના ગુપ્ત ખાનામાંથી મળ્યા 10 પેકેટ
કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા વિદેશથી આવતા શંકાસ્પદ મુસાફરોની પ્રોફાઇલિંગ કરીને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 2 સપ્ટેમ્બરના રોજ બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટ નંબર TG-343 માં વડોદરાનું એક દંપતી ઉતર્યું હતું. AIU ની ટીમે શંકાના આધારે તેમના સામાનની સઘન ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેમની 2 ટ્રોલી બેગની અંદર ખાસ પ્રકારના ગુપ્ત ખાના બનાવેલા જોવા મળ્યા હતા. આ ખાનાઓ ખોલતા તેમાંથી 10 વેક્યૂમ-પેક્ડ પેકેટો મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો પદાર્થ સંતાડવામાં આવ્યો હતો.
1928 ગ્રામ ગાંજો જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ધરપકડ
આ લીલા પદાર્થની પ્રાથમિક ચકાસણી કરવામાં આવતા તે હાઇડ્રોપોનિક્સ ગાંજો હોવાનું સાબિત થયું હતું. કસ્ટમ્સ અધિકારીઓએ બંને બેગમાંથી કુલ 1928 ગ્રામ વજનનો ગાંજો જપ્ત કર્યો છે. આ પ્રતિબંધિત માદક દ્રવ્યની ગેરકાયદેસર હેરાફેરી કરવા બદલ વડોદરાના આ દંપતીની NDPS એક્ટ, 1985 ની કલમો હેઠળ સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે.
2 દિવસમાં બીજો મોટો કેસ, સિન્ડિકેટ સુધી પહોંચવા કવાયત
નોંધનીય છે કે, ગત 1 સપ્ટેમ્બરના રોજ પણ અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડ રૂપિયાની કિંમતના 6 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવતીને ઝડપી પાડવામાં આવી હતી. સતત બીજા દિવસે ડ્રગ્સ પકડાતા એરપોર્ટ પર સોના અને નશીલા પદાર્થોની દાણચોરીનું પ્રમાણ વધી રહ્યું હોવાનું સ્પષ્ટ થાય છે. હાલમાં કસ્ટમ્સ વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પકડાયેલા દંપતીની પૂછપરછ શરૂ કરી છે. આ ગાંજો તેઓ બેંગકોકમાં કોની પાસેથી લાવ્યા હતા અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તેમજ તેની પાછળ કઈ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ કામ કરી રહી છે, તે દિશામાં તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે