ઓક્ટોબર 5, 2026 9:03 એ એમ (AM)

printer

સ્વદેશી ટેક્નોલોજી થકી ગ્રીન ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા રાજ્યપાલે આહ્વાન કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. તેમણે કચ્છના ખાવડા પાસે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રીન ઊર્જા જ આવનારા સમયનું ભવિષ્ય હોવા પર ભાર મૂક્યો અને સ્વદેશી ટેક્નોલોજી થકી ગ્રીન ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા આહ્વાન કર્યું.

કચ્છની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુન્દ્રાના વિરાણીયા ગામે “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. તેમણે વિરાણીયા ગામે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગ્રામજનોને સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે,  વિરાણીયા ખાતે ક્રીડા અને ક્લાઇમેટ કેનોપી ફાઉન્ડેશનના સહયોગથી અંદાજે 1.47 એકર જમીનમાં ચાર ઝોનમાં કુલ 3 હજાર જેટલા વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વન કવચ આકાર પામશે.

શ્રી દેવવ્રતે રાત્રિસભામાં વિરાણીયા ગામના ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને સ્વચ્છતા, વૃક્ષારોપણ, પાણીની બચત, નશામુક્તિ, પ્રાકૃતિક ખેતી તથા પશુપાલન સહિતના વિષયો પર ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું.

શ્રી દેવવ્રત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના 16મા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા, જેમાં 6 હજાર 989 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા 43 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરાયા.