અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે દર રવિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ ઓફિસ ખાતે આધાર સેવા કેન્દ્ર શરૂ કરાયા છે. નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા કાર્યદિવસોમાં આધાર સંબંધિત કામગીરી માટે સમય ફાળવી ન શકતા નાગરિકોને રવિવારના દિવસે પણ સેવા મળી રહે તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.
બોડકદેવ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે રવિવારના દિવસે આધાર સેવા કેન્દ્ર કાર્યરત રાખવા અંગેની શરૂઆત મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. શહેરના મધ્ય, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક-એક મળી કુલ 7 આધાર સેવા કેન્દ્રો દર રવિવારે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ કેન્દ્રો પર નાગરિકો આધાર સંબંધિત ઉપલબ્ધ સેવાઓનો લાભ લઈ શકશે.