ભારતે અમેરિકા અને અન્ય 13 દેશો સાથે મળીને એક મહત્વના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે. આ નિવેદનનો મુખ્ય હેતુ દુનિયાભરના બજારોને નુકસાન પહોંચાડતી ખોટી આર્થિક નીતિઓ પર રોક લગાવવાનો અને જરૂરિયાત કરતાં વધુ પડતા ઉત્પાદનની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે.
15 દેશોની સંમતિ સાથેનું આ સંયુક્ત નિવેદન અમેરિકાના વેપાર પ્રતિનિધિની ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. આ નિર્ણય 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે અમેરિકાના મિલવૌકી ખાતે યોજાયેલી G20 દેશોના વેપાર મંત્રીઓની ચર્ચા અને બેઠક બાદ લેવામાં આવ્યો છે.
આ નિવેદનમાં તમામ દેશોએ નોંધ્યું કે હવે દુનિયાના વધુ ને વધુ દેશો પોતાના સ્થાનિક ઉદ્યોગો, શ્રમિકો અને અર્થતંત્રને બજારની વ્યવસ્થા બગાડતી બિન-બજાર આર્થિક નીતિઓના નુકસાનથી બચાવવા માટે સક્રિય થઈ રહ્યા છે. આ સાથે જ તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે, જો તમામ દેશો આપસમાં સહયોગ વધારશે, માહિતીની આપ-લે કરશે અને મળીને કામ કરશે તો આ પ્રયાસો વધુ અસરકારક બનશે.
હસ્તાક્ષર કરનારા દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, પોલેન્ડ, તુર્કી, યુકે અને અમેરિકાનો સમાવેશ થાય છે.