આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં રાજ્યવ્યાપી 136 ‘ગ્રામ હાટ’નું લોકાર્પણ તથા વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મહિલા નેતૃત્વ હેઠળ વિકાસ’ના દ્રષ્ટિકોણને દોહરાવતા જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ બહેનો ‘લખપતિ દીદી’ બની ચૂકી છે. રાજ્યમાં મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના 139 પરિવારોને રહેણાંક માટે મફત પ્લોટની સનદ મુખ્યમંત્રીએ એનાયત કરી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, કુંવરજી બાવળિયા, સાંસદ પરષોત્તમ રૂપાલા સહિત અનેક ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.