મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ જિલ્લાના 139 પરિવારોને રહેણાક માટે જમીનના પ્લોટ વિનામૂલ્યે અપાશે. વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા લોકોને રહેણાક હેતુ માટે પ્લોટ ફાળવવા જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જસદણના 90, રામપરા બેટીના 21 અને મોટાદડવાના 28 મળીને કુલ 139 પરિવારોને આ વિનામૂલ્યે રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
આ ઘરથાળના પ્લોટ મળવાથી વિચરતી અને વિમુક્ત જાતિના આ પરિવારોને કાયમી સરનામું પ્રાપ્ત થશે. આ નિર્ણયના પરિણામે તેમના બાળકો નિયમિત શાળાએ જઈ શકશે અને આ તમામ પરિવારો સરકારની આવાસ યોજના સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકશે. આ કાર્યક્રમની સાથે સાથે મુખ્યમંત્રી સખીમંડળ સંચાલિત 136 ગ્રામહાટના લોકાર્પણ અને સદભાવના વૃદ્ધાશ્રમ ઓડિટોરિયમનું ઉદઘાટન પણ કરશે.