સપ્ટેમ્બર 2, 2026 6:39 પી એમ(PM)

printer

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027: મુંબઈમાં આવતીકાલે મેગા રોડ-શોનું આયોજન

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ની તૈયારીઓના ભાગરૂપે નવી દિલ્હીમાં સફળ કર્ટન રેઝર બાદ, હવે મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં આવતીકાલે એક ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં દેશ-વિદેશના રોકાણકારો અને ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આમંત્રિત કરવામાં આવશે.

ટોચના ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો 

મુંબઈના કોલાબા સ્થિત ‘ધ તાજ મહેલ પેલેસ’ ખાતે યોજાનારા આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેશની ટોચની કંપનીઓના અગ્રણીઓ સાથે વ્યક્તિગત બેઠકો યોજશે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ટ્રસ્ટ્સ, મહિન્દ્રા ગ્રુપ, સન ફાર્મા, લાર્સન એન્ડ ટુબ્રો અને ગોદરેજ જેવી 25 થી વધુ નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કરવામાં આવશે. આ બેઠકોમાં ગ્રીન એનર્જી, ફાર્માસ્યુટિકલ્સ, આઇટી, રિયલ એસ્ટેટ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રોમાં રોકાણની નવી તકો અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા થશે.

સાંજના સત્રમાં વૈશ્વિક રાજદ્વારીઓ સાથે સંવાદ 

રોડ-શોના સાંજના સત્રમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિવિધ દેશોના કોન્સ્યુલ જનરલ તેમજ અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધશે અને આગામી સમિટ માટે ગુજરાતનું વિઝન રજૂ કરશે. આ સત્રની શરૂઆત ‘કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી’ (CII) ના રાષ્ટ્રીય અધ્યક્ષ આર. મુકુંદનના સ્વાગત પ્રવચનથી થશે. ત્યારબાદ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ (IMD) ના અધિક મુખ્ય સચિવ દ્વારા VGGS 2027 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

યુવા ઉદ્યોગસાહસિકો સાથે રાઉન્ડટેબલ બેઠક 

આ મેગા રોડ-શોના ભાગરૂપે યુવા ઉદ્યોગસાહસિકો સાથે રાજ્યમાં રહેલી વિવિધ તકો અંગે એક ખાસ રાઉન્ડટેબલ સંવાદનું પણ આયોજન કરાયું છે. કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં તેમના કામકાજના હકારાત્મક અનુભવો રજૂ કરશે, અને ત્યારબાદ રાજ્યના મુખ્ય સચિવ કાર્યક્રમને સંબોધિત કરશે