સપ્ટેમ્બર 2, 2026 1:30 પી એમ(PM)

printer

‘108’ એમ્બ્યુલન્સ સેવાના 19 વર્ષ પૂર્ણ, દર 21 સેકન્ડે એક એમ્બ્યુલન્સ થાય છે રવાના

ગુજરાતમાં આપાતકાલીન સ્થિતિમાં નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી ‘108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ’એ સફળતાપૂર્વક 19 વર્ષ પૂર્ણ કરી 20મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 29 ઓગસ્ટ 2007 ના રોજ શરૂ થયેલી આ સેવા હવે રાજ્યના લાખો પરિવારો માટે સાચા અર્થમાં ‘લાઈફલાઈન’ બની ગઈ છે. આ સાથે જ ‘112’ ઇમરજન્સી હેલ્પલાઇને પણ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરી નાગરિકોની સુરક્ષામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

19 વર્ષમાં 19.66 લાખથી વધુ જિંદગીઓ બચાવી 

ઓગસ્ટ 2026 સુધીના આંકડા મુજબ, 108 ઇમરજન્સી સેવા દ્વારા કુલ 1 કરોડ 99 લાખ જેટલા કટોકટીના કેસોમાં ત્વરિત સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાં 1.96 કરોડથી વધુ મેડિકલ, 2.55 લાખથી વધુ પોલીસ સંબંધી અને 8300 થી વધુ ફાયર સંબંધિત કેસોનો સમાવેશ થાય છે. આ 19 વર્ષની યાત્રામાં ગંભીર સ્થિતિમાં મુકાયેલી 19 લાખ 66 હજારથી વધુ માનવ જિંદગીઓને ઉગારી લેવામાં આવી છે. દરરોજ સરેરાશ 4780 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી આ સેવાના વાહનોએ અત્યાર સુધીમાં 62 કરોડ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે.

દર 21 સેકન્ડે એક એમ્બ્યુલન્સ થાય છે રવાના 

અમદાવાદના નરોડા-કઠવાડા ખાતે 15 એકરમાં અત્યાધુનિક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે. અદ્યતન CAD એપ્લિકેશનના ઉપયોગથી કોલ કરનારનું લોકેશન ઓટોમેટિક ટ્રેસ થઈ જાય છે. 108 નંબર પર આવતા 99 ટકા કોલ્સનો માત્ર બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં દર 21 સેકન્ડે એક એમ્બ્યુલન્સ રવાના થાય છે અને તેનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ માત્ર 13:09 મિનિટનો છે. આ ઉપરાંત, નાગરિકોની સરળતા માટે ‘108 સીટીઝન મોબાઇલ એપ્લિકેશન’ અને પેપરલેસ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે.

પ્રસૂતિ અને ગંભીર બીમારીઓમાં બની સંજીવની 

રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવામાં 108 સેવાનો સિંહફાળો છે. અત્યાર સુધીમાં 62.97 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત કેસોમાં મદદ પહોંચાડવામાં આવી છે, જેમાંથી 1 લાખ 64 હજારથી વધુ પ્રસૂતિઓ તો એમ્બ્યુલન્સના તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા રસ્તામાં કે ઘટનાસ્થળે જ સફળતાપૂર્વક કરાવવામાં આવી છે. આ સિવાય માર્ગ અકસ્માતના 24.18 લાખ, શ્વાસ સંબંધી 11.77 લાખ અને હૃદયરોગના 9.87 લાખ કેસોમાં દર્દીઓને ‘ગોલ્ડન અવર’માં હોસ્પિટલ પહોંચાડી ઉત્તમ પ્રી-હોસ્પિટલ કેર પૂરી પાડવામાં આવી છે.

એર, બોટ એમ્બ્યુલન્સ અને ‘112’ સેવાની સફળતા 

રાજ્ય સરકારે માર્ચ 2022 થી સંકલિત ‘એર એમ્બ્યુલન્સ સેવા’ શરૂ કરી છે. તેમજ માછીમારોના આરોગ્ય રક્ષણ માટે પોરબંદર અને ઓખા ખાતે વિશેષ ‘બોટ એમ્બ્યુલન્સ સેવા’ પણ કાર્યરત છે. બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરાયેલી એકીકૃત ‘112’ ઇમરજન્સી હેલ્પલાઇનને પણ એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં 112 પર 10 લાખથી વધુ કોલ્સ એટેન્ડ કરાયા છે, જેમાં પ્રતિ મિનિટ સરેરાશ 10 કોલનો પ્રતિસાદ આપી ગણતરીની મિનિટોમાં મદદ પહોંચાડવામાં આવે છે. 24 કલાક અને 365 દિવસ કાર્યરત આ બંને સેવાઓ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ ખરા અર્થમાં રાજ્યના અદ્રશ્ય ‘હીરો’ સાબિત થયા છે.