સપ્ટેમ્બર 2, 2026 1:18 પી એમ(PM)

printer

અમેરિકાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, IRGC ના લક્ષ્યો પર હુમલા

અમેરિકાએ ઈરાનની અંદર ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વિવિધ લક્ષ્યો પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યારે ઈરાને પણ જવાબી કાર્યવાહી કરતા મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.

ઈરાનના અનેક શહેરોમાં વિસ્ફોટો, અમેરિકાનો દાવો 

ઈરાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંદર અબ્બાસ, હોર્મુઝ, અસલુયેહ, જીરોફ્ટ, કેશ્મ ટાપુ, કોનારક, ચાબહાર, જસ્ક, સિરિક અને લાવન જેવા વિસ્તારોમાં ભયંકર વિસ્ફોટો સંભળાયા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે ઈરાની લશ્કરી લક્ષ્યો પર હુમલાનો દોર પૂર્ણ કર્યો છે. આ હુમલાઓમાં ખાસ કરીને હવાઈ સંરક્ષણ સ્થળો, ખાણ મૂકવાની ક્ષમતાઓ અને સંદેશાવ્યવહાર કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા છે. સેન્ટકોમના જણાવ્યા મુજબ, તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો અને અમેરિકન સૈનિકો પર IRGC દ્વારા થયેલા હુમલાઓના પ્રયાસોના જવાબમાં આ આકરું પગલું લેવાયું છે.

લગ્ન સમારોહ પર હુમલો અને 4 નાગરિકોના મોત: ઈરાન 

બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકાના આ હુમલાઓનો સખત વિરોધ નોંધાવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુહેસ્તાક શહેરમાં એક ઘરમાં ચાલી રહેલા લગ્ન સમારોહ પર અમેરિકન હુમલો થયો હતો. આ દુર્ઘટનામાં 4 નિર્દોષ નાગરિકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 50 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી: “હજુ મોટો હુમલો બાકી છે” 

આ હુમલાઓ બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા ઈરાનને સીધી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન આ હુમલા સામે કોઈપણ પ્રકારનો બદલો લેવાનો પ્રયાસ કરશે, તો વોશિંગ્ટન દ્વારા તેનો ખૂબ જ કડક જવાબ આપવામાં આવશે. ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો છે કે તેહરાન સામે હજુ ઘણો મોટો હુમલો થવાનો બાકી છે.

ઈરાનની જવાબી કાર્યવાહી, મધ્ય પૂર્વમાં હાઈ એલર્ટ 

અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાનના IRGC એ પણ મોરચો ખોલ્યો છે. IRGC એ જોર્ડનના કેમ્પ ટીટિન ખાતે આવેલી યુએસ લશ્કરી બેરેક પર હુમલો કરવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત, ઈરાનની સેનાએ બહેરીનના શેખ ઈસા એરબેઝ પર તૈનાત યુએસ દળોને પણ નિશાન બનાવ્યા હોવાનું જણાવ્યું છે. આ તણાવ વચ્ચે, કુવૈતની સેનાએ પણ પુષ્ટિ કરી છે કે તેમના હવાઈ સંરક્ષણ દળોએ ઈરાન તરફથી આવેલા “પ્રતિકૂળ ડ્રોન” હુમલાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો છે.